આપણું ગુજરાત

મુઠ્ઠીમાં હવા ભરીને વાદળોના હાજાં ગગડાવતા અંબાલાલ છે કોણ ? આ નથી જાણતા,તો તમે કઈ નથી જાણતા

ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.

તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે અગમવાણી તેમણે કોઈ પૂર્વાભ્યાસ નથી કર્યો કે નથી જ્યોતિષ શાસ્ત્રમાં પાંડિત્ય મેળવ્યું. આમ છ્તા સરકારના સિંહાસન ડોલાવનાર અંબાલાલ પટેલ છે કોણ ? સરકારના સિંહાસન વાળી વાત એટલે લખી કે,ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપની ભવિષ્યવાણી અંબાલાલે કરી હતી. ગુજરાતમાં 2001માં આવેલા ભીષણ ભૂકંપની અગમચેતી કરી, એ જ પ્રમાણે ભૂકંપે ખાના-ખરાબી સર્જી. આ બદલ સરકારે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

અંબાલાલ પટેલ -કૃષિ નિષ્ણાત

અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં રૂદાતલ ગામમાં 1947માં જન્મેલા અંબાલાલ દામોદરદાસ પટેલ,પત્ની ગૌરીબહેન અને સંતાનોમાં રાજેન્દ્ર ,સતિશ અને અલકા. વ્યવસાયે ખેડૂત પરિવારમાં જન્મી ખેતીમાં રસ દાખવતાં અંબાલાલ, આણંદની એગ્રિકલ્ચર કોલેજમાંથી કૃષિ સ્નાતક(B.Sc Agri.)થયા અને નોકરી પણ બીજ પ્રમાણન એજન્સીમાં સુપરવાઇઝર તરીકે જોડાયા.

આ પણ વાંચો: હજુ ખતરો ટળ્યો નથી! હવામાન વિભાગે ગુજરાત માટે કરી મોટી આગાહી

છેલ્લે, આસિસ્ટન્ટ ડાયરેકટરના હોદ્દા સુધી પહોચ્યા. અંબાલાલ પોતાના ગહન અભ્યાસ અને રુચિથી આગાહીઓ કરવા માંડ્યા અને આ વરતારા સાચા પણ પાડવા લાગતાં લોકોના આશ્ચર્યનો પાર ના રહ્યો. વડતા માધ્યમોના પરિણામે અંબાલાલ માત્ર ગુજરાત જ નહીં પણ સીમાડા પાર પણ પોતાની ખ્યાતિ બનાવી શક્યા.

આગાહી- કૃષિ અને કૃષિકારો માટે

લોહીમાં ખેતી અને ખેડૂત પુત્ર હોવાના નાતે તેમની રુચિ કૃષિ પ્રત્યે વધુ. ખેતરોમાં ઊભા પાક લહેરાતા હોય અને અચાનક જ વાવાઝોડું ત્રાટકે અને શાંતિની ઊંઘ ખેંચતા ખેડૂતનો લાખેણો પાક સોથ વળી જાય ત્યારની સ્થિતિ અને ખેડૂતોની મનોદશાથી સુપેરે વાકેફ અંબાલાલે વિધિવત અભ્યાસ શરૂ કર્યો.

વિવિધ વાંચનમાં, મેઘમહોદય, પ્રાચીન વર્ષા વિજ્ઞાન, વારાહી સંહિતા ( બૃહદ સંહિતા ), તેમજ ખગોળને લગતાં સૂર્ય ગણિત, ખગોળ ગણિત, ગ્રહણ ગણિત, કુંડળીયા, સાઠ સંવત્સરી કુંડળી, ચોમાસાના વર્તારાનો કોહિનૂર, દેશી વાયુચક્ર ઉપરાંત જ્યોતિષને લગતા પુસ્તકો પણ વાંચ્યા.

આ પણ વાંચો: Monsoon 2024 : હવામાન વિભાગે નવ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી, ચાર રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ…

અંબાલાલનો વાચનાનુભવ ઘૂંટાવા લાગ્યો અને વરતારા પર વિવિધ અખબારોમાં લેખન ચાલુ કર્યું. કહેવાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ મોદી પણ હવામાનનો વર્તારો જાણવા એમની સાથે ચર્ચા કરતા હતા.

ઔધોગિક વિકાસ ગમે તેટલો થાય પણ ખેતી એ દેશની કરોડરજ્જૂ છે.તેવું માનતા અંબાલાલ પટેલને 2003 માં એમને UNO તરફથી ઇન્ટરનેશનલ એવોર્ડ મળ્યો છે.

તો, નેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી, ઈન્ટરનેશનલ સીમ્પોસીયમ ઓન એસ્ટ્રોલોજીકલ સાયન્સીઝ 2011, લોકસેવા ટ્રસ્ટ- કરમસદમાં વેસ્ટર્ન સીડ્સ દ્વારા સરદાર પટેલ એવોર્ડ, અખિલ ભારતીય જ્યોતિષ સંસ્થા સંઘ દ્વારા કોમોડીટી એવોર્ડ એનાયત થયેલ છે. ગાંધીનગર, મહેસાણા અને અમદાવાદ રોટરી કલબ દ્વારા એમનું વિશિષ્ટ સન્માનીત કરવામાં આવ્યા છે.

ઉચ્ચ પદવીધારક સંતાનો

અંબાલાલ પટેલના સંતાનો પણ ઉચ્ચ પદવી ધરાવે છે. મોટા પુત્ર રાજેન્દ્રભાઈ ધાંગધ્રા મુકામે હોસ્પિટલ ધરાવે છે, જે અગાઉ અમેરિકા હતા. નાના પુત્ર સતીશ પટેલ ‘માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી’ થયેલ છે અને ઓસ્ટ્રેલિયામાં પ્રાઈવેટ બિઝનેસ સંભાળે છે. દીકરી અલકા પણ ડૉક્ટર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button