આપણું ગુજરાત

‘વ્હાઇટ કોલર ક્રાઈમ સમાજ અને રાષ્ટ્ર માટે વધુ ખતરનાક’ સીબીઆઈ કોર્ટ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) ના એક ડિસ્ટ્રીબ્યુટર અને એક બેંક મેનેજરને ભ્રષ્ટાચાર તથા બેંક અને PSU સાથે છેતરપિંડી કરી નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવતા ગુજરાતની સ્પેશીયલ CBI કોર્ટે કહ્યું હતું કે વ્હાઇટ કોલર ક્રાઈમ સમાજ અને રાષ્ટ્ર માટે વધુ જોખમી છે કારણ કે તેમના અસર સામાન્ય ગુનાઓ કરતાં વધુ ગંભીર છે.

આ કેસમાં ચાર આરોપીઓમાં IOCL ડેપ્યુટી મેનેજર,અંકલેશ્વરમાં બેંક ઓફ ઈન્ડિયાની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ શાખાના મેનેજર; આસિસ્ટન્ટ બેંક મેનેજર અને IOCL ડિસ્ટ્રીબ્યુટરનો સમાવેશ થાય છે. તેમના પર આરોપ છે કે તેમણે બનાવટી ક્રેડિટ અને બેંક ગેરંટી પત્રો બનાવીને અને IOCL પાસેથી માલ ખરીદ્યો હતો, જેનાથી PSUને રૂ. 85 લાખનું નુકસાન થયું હતું.

વર્ષ 1999-2000માં ચારેય આરોપી પર ફોજદારી કાવતરું ઘડવા બદલ કેસ કેસ નોંધવામાં આવ્યો હતો. 23 વર્ષ કોર્ટમાં કેસ ચાલ્યો, આ દમિયાન આસિસ્ટન્ટ બેંક મેનેજરનું અવસાન થયું, IOCL ડેપ્યુટી મેનેજરને સીબીઆઈ કોર્ટે અગાઉ નિર્દોષ જાહેર કર્યા હતા. બાકીના બંને આરોપીઓને કોર્ટે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે બેંક મેનેજરને રૂ. 9 લાખ અને ડિસ્ટ્રીબ્યુટરને રૂ. 85 લાખનો દંડ ફટકાર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે હાલમાં છેતરપિંડીની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા થાય છે, પરંતુ આરોપીની સ્થિતિને જોતા તેણે 85 લાખ રૂપિયાનો દંડ ભરવો જોઈએ.

આ બંનેને સજા સંભળાવતી વખતે સ્પેશિયલ સીબીઆઈ જજે અવલોકન કર્યું હતું કે વ્હાઇટ કોલર ગુનાના ગુનેગારો મધ્યમ વર્ગ, વ્યાવસાયિકો અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હોય છે. આવા ગુનાઓ રાષ્ટ્રના વિકાસ અને તેની પ્રગતિને અવરોધે છે. આવા ગુનાઓ શિક્ષિત લોકો દ્વારા ગણતરીપૂર્વક કરવામાં આવે છે. તેઓ કોઈપણ પ્રતિષ્ઠા ગુમાવ્યા અથવા અપમાન વિના સમાજ વચ્ચે રહે છે.

કોર્ટે વધુમાં કહ્યું કે વ્હાઇટ કોલર ગુનાઓ સમાજ અને રાષ્ટ્ર માટે વધુ ખતરનાક છે કારણ કે તેની અસર સામાન્ય ગુનાઓ કરતા વધુ ગંભીર હોય છે, કારણ કે તે લોકોના આત્મવિશ્વાસ અને નૈતિક ધોરણોને નુકશાન પહોંચાડે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button