હપ્તા ભરવા અઘરા પડ્યા તો ચોરી લીધી પત્નીની કાર, પોલીસે કરી આરોપી પતિની ધરપકડ
સુરત: પોલીસને ફરિયાદ મળી હતી કે એક મહિલાની કાર 6 જાન્યુઆરીના રોજ તેના ઘર પાસેથી જ ચોરાઇ ગઇ છે. લગભગ સાડા ચાર લાખ રૂપિયાની એ કાર હતી. ઉધના પોલીસે કેસની સઘન તપાસ હાથ ધર્યા બાદ સામે આવ્યું છે કે મહિલાના પતિએ જ આ કારની ચોરી કરી હતી.
એક ચોંકાવનારી ઘટનામાં સુરત પોલીસને 16 જાન્યુઆરીના રોજ એક મહિલાએ ફરિયાદ કરી હતી કે તેની કાર દસ દિવસ પહેલા એટલે કે 6 જાન્યુઆરીએ ચોરાઇ ગઇ છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસએન દેસાઇએ તપાસ શરૂ કરી હતી. પોલીસે સૌથી પહેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા, જેના પરથી પોલીસને ફરિયાદી મહિલાના પતિ પર શંકા ગઇ હતી. પોલીસે મહિલાના પતિની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે કબૂલાત કરી હતી કે તેણે તેના દોસ્ત ઇકબાલ પઠાણ સાથે મળીને ચોરીની યોજના ઘડી હતી.
ચોરી કરવા પાછળનું કારણ એ હતું કે તે એક મોટું દેવું કરી બેઠો હતો જેની કાર વેચીને તેણે ભરપાઇ કરવાની હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે લોન લઇને કાર ખરીદી હતી અને જ્યારે તે હપતા ભરી ન શક્યો તો તેણે કાર ચોરીનું આયોજન કર્યું. કાર ચોરી થઇ ગયા બાદ તેણે તેની પત્નીને ફરિયાદ નોંધાવાનું જણાવ્યું હતું.
કાર ચોરી કર્યાના 10 દિવસ પહેલા ગોવર્ધને એક ડુપ્લીકેટ ચાવી બનાવી અને ઇકબાલને સોંપી દીધી. એ પછી 6 જાન્યુઆરીએ તે રાજસ્થાન જતો રહ્યો જેથી કોઇને તેના પર શંકા ન જાય. ઇકબાલ તેના અન્ય એક મિત્રને લઇને રાત્રે આવ્યો અને કાર ચોરી કરીને જતો રહ્યો. આ કેસમાં પોલીસે મુખ્ય આરોપી મહિલાના પતિની ધરપકડ કરી લીધી છે અને તેને સાથ આપનાર ઇકબાલની શોધખોળ ચલાવી રહી છે.