ગુજરાતના જળાશયોમાં પાણીની ધરખમ આવક, જાણો ક્યાં ડેમમાં કેટલું જળસ્તર છે…

અમદાવાદ: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાય રહ્યો છે. રવિવારના દિવસે ગુજરાતના 203 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ભારે વરસાદના પગેલ ગુજરાત જળાશયોમાં નવા નીરની ધરખમ આવક નોંધાઈ રહી છે. ભારે વરસાદ તમામ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતનાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. 7 જુલાઈના રોજ નવસારી, વલસાડ, દમણ તથા દાદરા અને નગર-હવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાતના 206 ડેમમાં પાણીની આવક
સરકારી આંકડા પ્રમાણે 206 ડેમ પૈકી હાલ 54.50 ટકા જળ સંગ્રહ નોંધવામાં આવ્યો છે. જેમાંથી 31 ડેમને હાઈ એલર્ટ મુકવામાં આવ્યા છે. જ્યારે 19 ડેમ પર એલર્ટ આપવામાં આવ્યુ છે. 18 ડેમ પર વોર્નીગ આપવામાં આવી છે. ગુજરાતના 206 ડેમમાંથી 22 એવા ડેમ છે જે 100 ટકા ભરાઈ ચૂક્યા છે. 46 એવા ડેમમાં 70થી 100 ટકા વચ્ચે જળસંગ્રહ નોંધવામાં આવ્યો છે. 48 ડેમમાં 50થી 70 વચ્ચે ભરાયેલા છે. 45 ડેમ 25થી 50 વચ્ચે ભરાયેલા છે. જ્યારે 45 ડેમ 25 ટકા નીચે ભરાયેલા છે. આ ઉપરાંત સરદાર સરોવર ડેમમાં હાલ 48.15 ટકા જળસંગ્રહ છે. નર્મદા ડેમમાં અત્યારે 41,134 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. જ્યારે 15,791 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 46.21 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં 50.82 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં 50.35 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 45.41 ટકા વરસાદ, પૂર્વ મધ્ય વિસ્તારમાં 44.11 ટકા વરસાદ, ઉત્તર ગુજરાતમાં 41.31 ટકા વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લામાં 209 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે એક દિવસમાં રાજ્યમાં 21.63 મીમી વરસાદ નોંધાયો છે.