આપણું ગુજરાત

વેસ્ટ ટુ એનર્જી: ગુજરાત સરકારની આ પોલિસી શું છે?

અમદાવાદઃ એક તરફ શહેરોમાં કચરાના ઢગ ખડકાઈ રહ્યા છે. મુંબઈનું કાંજૂરમાર્ગ ડંપિગ યાર્ડ હોય કે અમદાવાદની બહાર આવેલું પીરાણા હોય કચરાનો નિકાલ કોઈપણ નગરપાલિકા માટે મહત્વનો મુદ્દો બની રહ્યો છે. આ માટે ગુજરાત સરકારે નવી પોલિસી જાહેર કરી છે અને તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે.

રાજ્ય સરકારે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ (એમએસડબ્લ્યુ)ના રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતના સંભવિત ઉપયોગને ધ્યાનમાં રાખીને વેસ્ટ ટુ એનર્જી પોલિસીનો અમલ શરૂ કર્યો છે. ગુજરાતમાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને ૧૬૨ નગરપાલિકાઓ છે. આ કુલ ૧૭૦ શહેરી સ્થાનિક સંસ્થાઓ (ULB) છે અને આ શહેરી વિસ્તારોમાં ઉત્પન્ન થતો ઘન કચરાથી લગભગ ૧૦૦ મેગાવોટ ક્ષમતા ઉત્પન્ન કરી શકાય તેમ છે.

ભારતે ૨૦૩૦ સુધીમાં તેના જીડીપીમાં ઉત્સર્જનની તીવ્રતા ૪૫ ટકા ઘટાડવા અને ૨૦૩૦ સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ આધારિત ઊર્જા સંશાધનોમાંથી લગભગ ૫૦ ટકા સંચિત ઇલેક્ટ્રિક પાવર ઇન્સ્ટોલ ક્ષમતા પ્રાપ્ત કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારતના હાલના NOC માટે COP ૨૬માં જાહેર કરાયેલા ‘પંચામૃત’ના વિચારને સાકાર કરવાનો છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ-શૂન્ય સુધી પહોંચવાના ભારતના લાંબા ગાળાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં પણ આ એક પગલું હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું.

અમદાવાદ શહેરમાં પીરાણા નજીક આવેલા કચરાને ઢગલાંને દૂર કરવો એક સમસ્યા હતી. રાજ્ય સરકારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને પીરાણાના કચરાના ઢગલાને દૂર કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ શહેરની પીરાણા ડમ્પ સાઈટ પર ઘન કચરાનું પ્રમાણ આશરે કુલ ૧૨૫ લાખ મેટ્રીક ટનથી વધુ હતું. પીરાણા ડમ્પ સાઇટની કુલ ૬૦ એકર જમીન ઉપર નારોલ વિશાલા હાઇવેને અડીને બે કચરાનાં મોટાં ઢગલાઓ છે. જેમનો એક નારોલ-સરખેજ હાઈવે તરફનો અજમેરી ડમ્પ અને બીજો એક્સેલ પ્રોસેસીંગ પ્લાન્ટની પાછળની બાજુ પર આવેલો હાઈડમ્પ છે.

પીરાણા ડમ્પસાઇટની કાયાપલટ કરવાના લક્ષ્યાંક સાથે જાન્યુઆરી ૨૦૧૯ થી પિરાણા ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોમાઈનીંગની શરુઆત કરવામાં આવી હતી. હાલમાં આ પ્રોજેક્ટ અંતર્ગત પિરાણા પર ૬૦ નંગ ૩૦૦ મે. ટન ટ્રોમેલ મશીન તથા ૧૦ નંગ ૧,૦૦૦ મે.ટન ઓટોમેટેડ સેગ્રીગેશન મોબાઇલ ટ્રોમેલ મશીન કાર્યરત છે. પ્રોજેક્ટ હેઠળ ચાલતી સઘન કામગીરી દ્વારા હાલમાં દૈનિક ધોરણે ૩૫,૦૦૦–૪૦,૦૦૦ મે.ટન લિગસી વેસ્ટ પ્રોસેસ કરવામાં આવે છે.

જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૧૦૩ લાખ મેટ્રીક ટન જેટલો કચરો સાફ કરી અંદાજે ૩૫ એકર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. લિગસી વેસ્ટમાંથી વિભાજિત માટી અને ઈનર્ટનો શહેરનાં વિવિધ વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી. આવી જ રીતે રાજ્યના વિવિધ શહેરોમાં પણ આ પોલિસી અંતગર્ત કચરાનો નિકાલ કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button