વકફ સંશોધન બિલની JPCમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી
અમદાવાદ : દેશમાં વકફ સંશોધન બિલ માટે રચાયેલી જેપીસી (JPC)આજે ગુજરાતમાં છે. જેની બેઠક આજે અમદાવાદમાં મળી હતી. જેમાં ગુજરાત સરકાર વતી પક્ષ રજૂ કરવા બેઠકમાં પ્રતિનિધિમંડળ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં એક તબક્કે વકફ બોર્ડના નિયમો અને કાયદા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઓવૈસી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. જેના લીધે બેઠકમાં વાતાવરણ તંગ બન્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારે જેપીસી સમક્ષ તમામ વિગતો રજૂ કરી હતી.
નાગરિકોના હિતના જરૂરી એવા સૂચનો રજૂ કર્યા : હર્ષ સંઘવી
આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે વકફ સંશોધન બિલ માટે રચાયેલી JPCમાં રાજ્ય સરકારે સુધારા અને સૂચનો આપ્યા છે. જેમાં સરકારે નાગરિકોના હિતના જરૂરી એવા સૂચનો જેપીસી સમક્ષ રજૂ કર્યા હતા.
ગુજરાતમાં વકફ બોર્ડની કેટલી મિલકતો ?
ગુજરાતમાં વકફ બોર્ડની મિલકતોની સંખ્યા 45 હજારથી વધુ છે. જેમાંથી 39 હજારથી વધુ સ્થાવર મિલકતો છે જ્યારે બાકીની જંગમ મિલકતો છે. આશ્ચર્યની વાત એ છે કે આ પ્રોપર્ટી લિસ્ટમાં માત્ર કબ્રસ્તાન, મસ્જિદો, મદરેસાઓ જ નહીં પરંતુ રહેણાંક મકાનો, ખેતીની જમીનો, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો પણ સમાવેશ થાય છે. જો આ પ્રોપર્ટીની કિંમત બજાર કિંમત પર ગણવામાં આવે તો આ આંકડો કરોડ સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો : વક્ફ બોર્ડ બિલ પર JPCની બેઠક બાદ પણ ઉકેલ નહિ! વિપક્ષ દ્વારા બિલ રદ્દ કરવાની માંગ
અમદાવાદમાં સૌથી વધુ સ્થાવર મિલકતો 15,425
ઉલ્લેખનીય છે કે, એક વિશ્લેષણ મુજબ ગુજરાતમાં વકફ બોર્ડ પાસે 39,940 સ્થાવર મિલકતો છે જેમાં સૌથી વધુ 15,425 અમદાવાદમાં છે. ત્યાર બાદ સુરતમાં 8,453 અને ભરૂચમાં 4,163 છે. વક્ફ બોર્ડ પાસે ખેતીલાયક જમીન પણ છે અને ગુજરાત માટેના આંકડા ખૂબ જ રસપ્રદ છે. ભરૂચ જિલ્લામાં વકફ બોર્ડની માલિકીની સૌથી વધુ જમીનો છે. આ મિલકતની સંખ્યા 918 છે ત્યારબાદ સુરતમાં 714, વડોદરામાં 371 અને કચ્છમાં 355 છે.