વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ આ 20 વર્ષ ગુજરાતને વિકાસની દિશા બતાવનારા

ગાંધીનગરઃ ગાંધીનગરમાં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કરતાં જણાવ્યું હતું કે વિદેશના રોકાણકારોની પહેલી પસંદ ભારત છે અને ભારતમાં રોકાણ કરવા ઈચ્છતાની પહેલી પસંદ ગુજરાત છે. તેમણે વર્ષ 2003થી લઈ 2024 સુધીની તમામ દસ વાઈબ્રન્ટ આવૃત્તિમાં ભાગ લીધો હોય પોતાની જાતને નસીબદાર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વાઇબ્રન્ટનો 20 વર્ષ નો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંબોધન કરતાં કહ્યું હતું કે અમૃતકાળની પહેલી વાઇબ્રન્ટ ગુજરાતમાં યોજાઈ છે અને વાઇબ્રન્ટનો 20 વર્ષનો કાલખંડ ગુજરાતના વિકાસની દિશા બતાવનાર છે. તેમણે કહ્યું કે ગુજરાતની વાઇબ્રન્ટે દેશને વિકાસની રાહ બતાવી છે.
તેમણે કહ્યું કે 2014માં ભારતની અર્થવ્યવસ્થા 11માં નંબર પર હતી જ્યારે આજે પાંચમા સ્થાને પહોંચી છે અને આગામી સમયમાં ભારત વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનશે. તેમણે કહ્યું હતું કે આઈડિયા અને ઇનોવેશનને વાઇબ્રન્ટે પ્લેટફોર્મ આપ્યું છે અને રોકાણને વાઇબ્રન્ટ જમીન પર ઉતાર્યું છે. વિકસીત ભારતનો દરવાજો ગુજરાતમાંથી ખુલે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે 2047 પહેલા જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે અને ભારત દુનિયાનું ત્રીજા નંબરનું અર્થ તંત્ર બનશે તેનો અમને વિશ્વાસ છે. ગુજરાતીઓ વેપાર માટે જાણીતા છે તથા ગુજરાતના મંચ પરથી મનોજ સિન્હા જમ્મુ કાશ્મીર માટે રોકાણ લઈ ગયા.
તેમણે અપીલ કરતાં કહ્યું કે ગુજરાતીઓને મારી અપીલ છે કે નોર્થમાં જો આપે રોકાણ કરવું હોય તો જમ્મુ કાશ્મીરમાં કરો તેમણે રાજકીય નિવેદન આપતા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ અને યુપીએ સરકારને ટોણો મારતા કહ્યું હતું કે આજે ગિફ્ટસીટી, ધોલેરા, માંડલ બેચરાજી, દહેજ જેવા સ્થળોની કલ્પના સાકાર થઇ છે અને સાયલન્ટ વડા પ્રધાનથી વિઝનરી વડા પ્રધાનની યાત્રા ભારતે જોઈ છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે અગાઉની સરકારને પોલિસી પેરાલિસિસ થયું હોવાનું લોકો કહેતા હતા જ્યારે મોદી સરકારે દસ વર્ષમાં 25 નવી પોલિસી બનાવી છે. તેમણે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનું સૂત્ર આપ્યું હતું.