વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ રેકોર્ડ બ્રેક રોકાણ થયું દસમી આવૃત્તિમાં, જાણો આંકડો
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યના આવનાર સમયની બ્લ્યુ પ્રિન્ટ બની હોય તેમ અધધધ રકમનું રોકાણ થયું છે. વાઈબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિનું આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સમાપન થયું ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા અનુસાર રાજ્ય સરકારને કુલ રૂ. 45 લાખ કરોડનું રોકાણ મળ્યું છે, જેમાંથી રૂ. 26.33 લાખ કરોડના રોકાણના મેમોરેન્ડ્મ ઓફ એન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઈન થયા છે.
વર્ષ 2022માં કોરોનાની મહામારીને લીધે આયોજન મુલતવી રહ્યું હતું પરંતુ રોકાણ થયું હતું અને તે સમયે રૂ. 18.87 લાખ કરોડનું રોકાણ રાજ્યમાં કરવાના એમઓયુ સાઈન થયા હતા.
આ વખતે રાજ્યમાં મુખ્ય આયોજન પહેલા દરેક જિલ્લામાં પણ વાઈબ્રન્ટ સમિટનું આયોજન થયું હતું અને તે સમયે પણ એમઓયુ સાઈન થયા હતા. આ વખતે રાજ્યમાં અમેરિકન કંપની માઈક્રોન સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી. સેમિકન્ડર ક્ષેત્રમાં દેશનનું આ પહેલું રોકાણ છે અને રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર વર્ષના અંતમાં દેશની પહેલી મેમરી ચિપ બનીને તૈયાર થઈ જશે.
આ ઉપરાંત ઈ-વ્હીકલ્સ અને ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં રોકાણો થયા છે. ગુજરાતના જ બે મોટા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીએ પણ અનુક્રમે બે લાખ કરોડ અને પાંચ લાખ કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતમાં વર્ષ 2003થી ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે.