વાઈબ્રન્ટ ગુજરાત 2024ઃ ભુપેન્દ્ર સરકારની આ પહેલની બધા બે મોઢે કરી રહ્યા છે પ્રશંસા
ગાંધીનગરઃ વિકાસ જરૂરી છે, પરંતુ પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધી કરવામા આવેલો વિકાસ સમયની માગ છે. આખું વિશ્વ હવે પર્યાવરણીય પ્રશ્ર્નોની ચિંતા કરી રહ્યું છે ત્યારે નાની નાની બાબતો પણ મહત્વની છે અને નાની પહેલ પણ મોટું કામ કરી જાય છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ગ્રીન એનર્જી પર ભાર મૂકવામાં આવ્યો હતો ત્યારે સરકારની એક નાનકડી કોશિશ પણ મહેમાનોના ધ્યાનમાં આવી હતી. ગ્લોબલ સમિટમાં વિવિધ સેમિનાર યોજાયા હતા.
આ દરમિયાન ભાગ લેનારાને એક કીટ આપવામાં આવતી હોય છે. આ વખતે આ કીટમાં પ્લાસ્ટિકના બદલે કપડા કે જ્યૂટની જ બેગ્સ આપવામાં આવી હતી. આ સાથે તેની અંદર જે નાની નાની વસ્તુઓ આપવામાં આવી હતી તેણે સૌનુ ધ્યાન ખેંચ્યું હતું.
આ કીટમા પ્લાન્ટેબલ રાઈટીંગ પેડ, પેન – પેન્સિલ અને અન્ય સામગ્રી પર્યાવરણીય જળવણી અને સંવર્ધનના કોંસેપ્ટ સાથે આપવામાં આવી હતી. સમિટના પ્રત્યેક સેમિનારમા આપવામાં આવેલા રાઇટીંગ પેડના ટાઇટલ પેજ અલગ અલગ વનસ્પતિના બીજ (સીડ)ને કાગળના માવા સાથે મિશ્રણ કરીને કલાત્મક રીતે બનાવવામાં આવ્યા છે.
જેના કારણે જ્યારે રાઈટીંગ પેડ પૂરું થઈ જાય ત્યારે રાઇટીંગ પેડને કચરા ટોપલીમા નાખવાની જગાએ તેના નાના નાના ટૂકડા કરીને જમીનમાં થોડો ખાડો ખોદીને કે ઘરના કુંડામાં નાખી પાણી છાંટતા તેમાંથી સરસ મઝાના છોડ અને વૃક્ષ ઊગી નીકળશે. રાઈટીંગ પેડની જેમ જ તેની સાથે આપવામાં આવેલી પેન અને પેન્સીલમાં પણ વનસ્પતિના બીજ (સીડ)ને મુકવામાં આવ્યા હતા. આ સમિટમાં દેશ – દુનિયામાંથી આવેલા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ, તજજ્ઞો, રાજદ્વારીઓ અને ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ આ નાનકડી કોશિશથી પ્રભાવિત થયા હતા.
આ સાથે મહાત્મા મંદિર સંકુલ ખાતે યોજાયેલી આ સમિટના આયોજનના દરેક તબક્કે નો પ્લાસ્ટિક યુઝ અને ઈકો ફ્રેન્ડલી પોલીસીને વળગી રહેવાની તમામ શક્ય કોશિશો ભુપેન્દ્ર પટેલ સરકારે કરી હતી.
અત્રે એ પણ ઉલ્લેખનીય રહે કે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ જયાં યોજાયું છે તે મહાત્મા મંદિરના સમગ્ર સંકુલમાં પીવાના પાણી માટે કાચની બોટલ, ઇકો ફ્રેન્ડલી બેગ, પ્લાન્ટેબલ પેન અને ડાયરી સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.