અમદાવાદમાં વાઇબ્રન્ટનો ધમધમાટ, શહેરના 70 જેટલા રસ્તાનું સમારકામ, નવા શિલ્પો મુકાશે
અમદાવાદ: આગામી જાન્યુઆરીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને પગલે મનપા દ્વારા રિવ્યુ મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં કયા કયા વોર્ડમાં બ્યુટિફિકેશનની જરૂર છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી.
વાઇબ્રન્ટ સમિટમાં આવનારા મહેમાનોને લઇને શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક રિવ્યુ મિટીંગમાં વાઇબ્રન્ટ સમિટની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરના 70 જેટલા રસ્તાને મ્યુનિ. દ્વારા આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે, આ રસ્તા પર નાનીમોટી મરામત કરી તેને સુધારવામાં આવશે. ખાસ કરીને એસજી હાઈવે, વૈષ્ણોદેવી સર્કલથી રિંગરોડ, આશ્રમ રોડ, ડફનાળાથી એરપોર્ટ થઈ ઈન્દિરા બ્રિજ પર વિદેશી મહેમાનોની અવરજવર રહેતી હોય છે, તેમ જ નારોલથી નરોડા સુધીના માર્ગનો પણ આ યાદીમાં સમાવેશ કરી સુધારાની કામગીરી કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રીજ સુધીનો માર્ગ તૈયાર કરવાની કામગીરી પડકારજનક છે. તમામ 70 રસ્તા પર રોડસાઇડ વોલ બ્યુટીફિકેશન, પ્લાન્ટેશન, સર્કલ પર કૂંડાં મૂકવાં, રોડ પર વ્હાઇટ પટ્ટા બનાવવા, રેલિંગ તેમ જ ડિવાઇડરનું રંગરોગાન કરવું, ઉપરાંત સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવો વગેરે જેવા ટાસ્ક મ્યુનિ. અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. મ્યુનિ.કમિશનર એમ. થેન્નારસને ત્વરિતપણે આ કામગીરી પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ સિવાય શહેરમાં અનેક વિસ્તારોમાં આકર્ષક શિલ્પો મુકવામાં આવ્યા છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.