વાવ પેટા ચૂંટણીઃ ભાજપે માવજી પટેલ સહિત પાંચને કર્યા સસ્પેન્ડ, ગેનીબેન ઠોકોરે કહી આ વાત
Vav By Poll: વાવ વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ અપક્ષ ઉમેદવારી નોંધનારા માવજી પટેલ સહિત 5 લોકોને ગેરશિસ્ત બદલ સસ્પેન્ડ કર્યા હતા.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા માવજીભાઈ ચતરાભાઈ પટેલ( ડિરેક્ટર, બનાસ બેન્ક), લાલજીભાઈ હમીરભાઈ ચૌધરી(પટેલ) ( પૂર્વ ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ), દેવજીભાઈ પ્રેમાભાઈ પટેલ (પૂર્વ ચેરમેન, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, ડિરેક્ટર જિલ્લા ખરીદ વેચાણ સંઘ), દલરામભાઈ નાગજીભાઈ પટેલ (ચેરમેન, ભાભર માર્કેટ યાર્ડ) તથા જામાભાઈ ભુરાભાઈ પટેલ (પૂર્વ મહામંત્રી, સુઇગામ તાલુકા)ને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેશી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
માવજી પટેલ સામે ભાજપે કેમ કરી કાર્યવાહી
વાવ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાના છેલ્લા દિવસ સુધી ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યુ નહોતું. છેલ્લી ઘડીએ સ્વરૂપજી ઠોકોરને મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતાં. ભાજપના કાર્યકર માવજી પટેલની ચૂંટણી લડવાની આશા પૂરી ન થતાં તેમણે બળવો કરી પોતાની અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જેથી માવજી પટેલ સામે ભાજપે આ કાર્યવાહી કરી હતી.
આપણ વાંચો: Banaskantha: વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ‘પાઘડી’ કોની સચવાશે…!
સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ માવજી પટેલે શું કહ્યું
ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ માવજી પટેલે કહ્યું, ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે? હું ભાજપમાં કંઈ હતો પણ નહીં, ભાજપ મને શું સસ્પેન્ડ કરે, મેં જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી જ હું ભાજપનો નથી.
મારી પાઘડીની લાજ ભગવાન રાખશે. ભાજપ ગમે તે પગલું ભરે, અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. અમે કોઈ પાર્ટીની મહેરબાનીથી જીવતા નથી, પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.
ગેનીબેન ઠાકોરે શું કહ્યું
માવજી પટેલને સસ્પેન્ડ કરવા મુદ્દે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું, ભાજપે રાજનીતિના ભાગરૂપે આમ કર્યું છે. અપક્ષમાં ફોર્મ ભર્યુ તે સમયે જ પગલું લીધું હોત તો લોકો પણ માનત. ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત અલગ છે.