રાજ્યમાં વર્ષા શ્રીકાર અને વાવેતર મબલક પાકના – ઋષિકેશ પટેલ

રાજ્યમાં ચોમાસાની ઋતુમાં વરસાદ અને કૃષિ પાકોના વાવેતરની પરિસ્થિતી વિશે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં તા. 10 જૂલાઈની સ્થિતીએ કુલ 223.37 મી.મી. વરસાદ વરસ્યો છે જે સરેરેશ વરસાદના 25.30% છે. જેમાં રાજ્યના 89 તાલુકાઓમાં 51થી 125 મી.મી., 82 તાલુકાઓમાં 126થી 250 મી.મી., 54 તાલુકાઓમાં 251 થી 500 મી.મી. જ્યારે 24 તાલુકાઓમાં 501 થી 1000 મી.મી. વરસાદ નોંધાયો છે.
કૃષિ પાકોની વાવેતરની સ્થિતી અંગે વાત કરતા મંત્રી એ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. ચાલુ ખરીફ ઋતુમાં વિવિધ પાકોની વાવેતરમાં વધારા સહ વેગ આવવાની પુરતી સંભાવવા છે.
આ પણ વાંચો:ચોમાસાની ઋતુમાં રોગચાળાથી રક્ષણ આપવા 1.54 કરોડ પશુઓનું રસીકરણ: ઋષિકેશભાઈ પટેલ
બિયારણના જથ્થા વિશે મંત્રીએ જણાવ્યું હતું કે, ખરીફ 2024 ઋતુમાં મુખ્ય પાકો જેવા કે ડાંગર, મકાઈ,બાજરા, મગ, અડદ, તુવેર,મગફળી, તલ, દિવેલા, સોયાબીન અને કપાસ જેવા પાકોની કુલ 13,20,240 ક્વિન્ટલ બિયારણની જરૂરિયાત સામે રાજ્યમાં 15,45,,065 ક્વિન્ટલ બિયારણનો જથ્થો ઉપલબ્ધ છે. આમ આ સીઝન માટે વાવેતર હેતુ બિયારણનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.