આખરે કચ્છવાસીઓને મળી પહેલી વંદે મેટ્રોઃ જાણો ક્યારથી શરૂ થશે
અમદાવાદ: દેશના મહત્વના શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મળેલા બહોળા પ્રતિસાદ બાદ કેન્દ્ર સરકાર હવે વંદે ભારત ટ્રેનની બે નવી શ્રેણીઓ શરુ કરવા જઈ રહી છે- વંદે ભારત સ્લિપર ટ્રેન અને વંદે ભારત મેટ્રો ટ્રેન. રેલવે મંત્રાલયે કચ્છવાસીઓ માટે ખુશ ખબર આપ્યા છે. ભુજ અને અમદાવાદ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન (Bhuij-Ahmedabad vande bharat metro)શરુ કરવામાં આવશે. વડા પ્રધાન મોદી 16 સપ્ટેમ્બરના રોજ વંદે મેટ્રોને લીલી ઝંડી બતાવશે.
અહેવાલો મુજબ, વંદે મેટ્રો ટ્રેન સપ્તાહમાં 6 દિવસ દોડશે. ભુજથી ટ્રેન નં. 94802 સવારે 5.05 વાગ્યે ઉપડશે, જે સવાર 10.50 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે.
જયારે અમદાવાદથી ટ્રેન નં. 94801 સાંજે 5.30 વાગ્યે ઉપડશે અને રાત્રે 11.30 વાગ્યે ભુજ પહોંચશે, આ ટ્રેન શનિવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દોડશે.
આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાલી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ , ચાંદોલીયા, સાબરમતી ઉભી રહેશે.
આ પણ વાંચો : વડા પ્રધાન મોદી એક સાથે 10 નવી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે, આ રાજ્યોને જોડશે
સંપૂર્ણ રીતે સ્વદેશમાં વિકસિત આ ટ્રેનમાં 12 એર-કન્ડિશન્ડ કોચ હશે. ગયા અઠવાડિયે અમદાવાદ-ગાંધીધામ રૂટ પર ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. 8મી સપ્ટેમ્બરે ટ્રાયલ રન દરમિયાન ટ્રેને અમદાવાદથી ગાંધીધામ રૂટને કવર કરવા ચાર કલાકનો સમય લીધો હતો. જયારે ગાંધીધામથી ભુજ રૂટને એક કલાકમાં કવર કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે દેશની પ્રથમ વંદે ભારત મેટ્રો ટ્રેન ને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે. વડા પ્રધાન મોદી 15મી થી 17મી સપ્ટેમ્બર સુધી ગુજરાતની મુલાકાતે છે, તેઓ અમદાવાદ અને ભુજ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન સેવાનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.