ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અમદાવાદઃ ઉત્તરાયણ હવે ગુજરાતીઓ જ નહીં, પરંતુ દેશ-વિદેશના પતંગ રસિયાઓનો માનીતો તહેવાર બની ગયો છે. આખું વર્ષ ઉત્તરાયણની રાહ લોકો જોતા હોય છે, ત્યારે આ વખતે પણ ઉત્તરાયણના હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. આ દરમિયાન પવનની ગતિ કેવી રહેશે તેના અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી પ્રમાણે 14 જાન્યુઆરી અને 15 જાન્યુઆરીના રોજ રાજ્યમાં પવનની ગતિ પતંગ ચગાવવા માટે ખૂબ જ સારી રહેશે. આ દરમિયાન પવનની ઝડપ પાંચથી પંદર કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા તેવી આગાહી કરવામાં આવી છે.
રાજ્યના કયા ભાગમાં પવનની ગતિ કેવી રહેશે?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં પવનની ગતિ અલગ અલગ રહેતી હોય છે. ઉત્તરાયણ દરમિયાન અમદાવાદમાં પવનની ગતિ 7થી 9 કિમી પ્રતિ કલાક, મહેસાણામાં પવનની ગતિ નવથી સાત કિમી પ્રતિકલાક, પાલનપુરમાં પવનની ગતિ 8થી 7 કિમી પ્રતિ કલાક, મહુવા, ભાવનગર, પોરબંદરમાં પવનની ગતિ થોડી વધારે રહેશે. ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે. જામનગરમાં પણ પવનની ગતિ 9 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેવાની છે. 14 જાન્યુઆરીએ સવારે રાધનપુરમાં 9 કિમી પ્રતિ કલાક, વિરમગામમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં બપોરે 6થી 7 કિમીની ગતિ રહેશે
આ સાથે દરિયાકાંઠાની વાત કરવામાં આવે તો, આગાહી પ્રમાણે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. સુરતમાં પવનની ગતિ 9 કિમી પ્રતિ કલાકની આસપાસ રહેશે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બપોરે 6થી 7 કિમીની ગતિ રહેશે. આ સાથે સાંજે પણ આ સ્થિતિ જોવા મળશે. એટલે પતંગના રસિયા લોકો માટે પવનની ગતિ સાનુકુળ રહેવાની છે. તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે. જો કે, વચ્ચે થોડો સમય માટે પવનની ગતિ વધારે રહેશે એટલે થોડો વિક્ષેપ પડી શકે છે. સાથે 15 જાન્યુઆરીના દિવસે પણ પવનની ગતિ પતંગ ચગાવવા માટે સારી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.



