Uttarayan 2024: ગુજરાતમાં ઠેર ઠેર અકસ્માત, 1,400થી વધુ ઈમરજન્સી કોલ, ત્રણના મોત
અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં ઉત્તરાયણની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સાથે સાથે રાજ્યભરમાં નાના-મોટા અકસ્માતો પણ સર્જાયા છે. અહેવાલો મુજબ 108 ઈમરજન્સી હેલ્પ લાઈન પર અત્યાર સુધીમાં 1,400થી વધુ ઈમરજન્સી કોલ આવી ચુક્યા છે. વલસાડ, મહીસાગર અને વડોદરા ત્રણેય જીલ્લામાં એક-એક એમ કુલ ત્રણ લોકોના મોત થયા છે.
વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં એક 6 વર્ષનું બાળક એપાર્ટમેન્ટની છત પરથી પટકાતા મોત નીપજ્યં હતું. ત્યારે મહીસાગર જિલ્લામાં એક બાળકના ગાળામાં પતંગની દોરી ફસાય જતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે.
વડોદરામાં પતંગની દોરીને કારણે 67 વર્ષીય વકીલનું મોત નીપજ્યું હતું. વાઘોડિયાના આમોદર ગામનાના રસિકbhai પટેલ બાઇક પર જઇ રહ્યા હતા અચાનક પગમાં દોરો ફસાઈ જતા રસ્તા પર પટકાયા હતા, જેના કારણે તેમના માથામાં ઇજા પહોંચી હતી, સારવાર મળે એ પહેલા તેમનું મોત નીપજ્યું હતું.
જેતપુરનામાં પતંગ લુંટવા રસ્તા પર દોડી રહેલા આઠ વર્ષીય બાળકને એક કારે અડફેટે લીધો હતો. બાળકને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. બાળકના પગે ગંભીર ઇજા પહોંચી હતી.
બીજી તરફ ભાવનગરમાં પતંગ ચગાવવા દરમિયાન બે લોકોને કરંટ લાગ્યો હતો. ગણેશ નગર વિસ્તારમાં બે યુવાનો વીજ લાઇનના સંપર્ક આવી જતા કરંટ લાગ્યો હતો જેને કારણે બંને ગંભીર રીતે દાઝ્યા હતા. બંનેને માટે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.