ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ | મુંબઈ સમાચાર

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ

બનાસકાંઠા, સાબરકાંઠાઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીએ ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. પાલનપુર-છાપી હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાયું છે, જેના કારણે હાઈવે પર ગાડીઓ પાણીમાં ડૂબી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સાથે મહેસાણામાં પણ ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેત જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે જન જીવન ખોરવાયું છે. હાઈવે અને રોડ રસ્તા પણ અત્યારે તંત્રએ કરેલા બદકારીભર્યા કામની સાક્ષી પૂરી રહ્યાં છે.

ભારે વરસાદના કારણે જન જીવન ખોરવાયું

સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો, આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હિંમતનગરમાં ભારે વરસાદના કારણે અનેક સોસાયટીઓમાં રોડ પર વરસાદી પાણી ભરાયા હતાં. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં ના આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. અહીં વરસાદી પાણી ભરાયા હોવાથી નગરપાલિકાના પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. લોકોમાં તંત્રની કામગીરીને મુદ્દે ભારે રોષ જોવા મળ્યો હતો. પાટણમાં પણ આજે મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. સિદ્ધપુરમાં 200થી વધારે મકાનો પાણીમાં ગરકાવ હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આ મામલે સ્થાનિકોએ જ તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં હતાં. અહીંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

સિદ્ધપુરમાં 200થી વધારે મકાનો પાણીમાં ગરકાવ

આજે ઉત્તર ગુજરાત સાથે સાથે મધ્ય ગુજરાતમાં પણ ધોધમાર વરસાદ આવ્યો છે. ખાસ કરીને અમદાવાદ શહેરને મેઘરાજાએ ધમરોળ્યું છે. ભારે વરસાદના કારણે અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. શહેરમાં ઠેર ઠેર માર્ગો પર વરસાદી પાણી ભરાયા છે. અનેત વિસ્તારોમાં તો BRTS અને AMTS બસ પણ પાણીમાં ફસાઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યાં છે.

આપણ વાંચો:  ગુજરાતમાં આ રીતે થયું કારગિલ વિજય દિવસનું સન્માનઃ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજર

આજે સાત જિલ્લાઓમાં છે આજે રેડ એલર્ટ જાહેર થયું

આજે હવામાન વિભાગ દ્વારા સાત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, મહીસાગર અને અમદાવાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સાથે દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, નવસારી, વલસાડ, ખેડા, પંચમહાલ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button