સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના 11 ગામને સમાવતા ‘વિરોધ’: સ્થાનિકોએ ‘બેસણું’ યોજ્યું…

હિમંતનગરઃ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર આસપાસના 11 ગામને સમાવતા હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (હુડા)ના ડ્રાફ્ટ પ્લાન વિરુદ્ધ ગામલોકો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે. આજે આંદોલન ઉગ્ર બન્યું હતું, આ વિરોધના ભાગરૂપે બેરણા ગામે આવેલી ઉમિયા સમાજવાડી ખાતે હુડાની ‘લૌકિક ક્રિયા’ના ભાગરૂપે અનોખું ‘બેસણું’ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો અને મહિલાઓ હાજર રહ્યાં હતાં.
ડ્રાફ્ટ પ્લાનને રદ કરતી માંગ સાથે ‘લૌકિક ક્રિયા’ કરી
ડ્રાફ્ટ પ્લાનની જાહેરાત બાદ 11 ગામોમાં વિરોધ શરૂ થયો હતો, જેના પગલે હુડા સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિ આંદોલનના માર્ગે વિવિધ કાર્યક્રમો આપી રહી છે. રવિવારે ‘બેસણા’ કાર્યક્રમમાં હુડાના ડ્રાફ્ટ પ્લાનને રદ કરવાની માંગ સાથે ‘લૌકિક ક્રિયા’ કરવામાં આવી હતી.
આ ક્રિયા બાદ સમાજવાડીમાં મહિલાઓએ ‘છાજીયા’ લઈને પોતાનો આક્રોશ અને દુઃખ વ્યક્ત કર્યું હતું. હુડા સંકલન સમિતિ દ્વારા આ ‘બેસણા’માં આગામી આંદોલનાત્મક કાર્યક્રમોની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમિતિએ જણાવ્યું હતું કે, આ મુદ્દે સ્થાનિક ધારાસભ્યથી લઈને મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા વિરોધ વધી રહ્યો છે.
ગામના લોકોએ અનોખો અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો
આ કાર્યક્રમમાં તાલુકા સદસ્યો અને તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા. સમિતિએ જાહેરાત કરી હતી કે, આગામી દિવસોમાં ચૂંટાયેલા સદસ્યો તેમજ રાજકીય પક્ષો સાથે જોડાયેલા તમામ કાર્યકર્તાઓ રાજીનામાં આપવા માટે સહમત થયા હતા. કોઈપણ રાજકીય પક્ષના નેતાઓને આ 11 ગામોમાં પ્રવેશ ન કરવા દેવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. ગામલોકોનો આ અનોખો અને ઉગ્ર વિરોધ દર્શાવે છે કે જ્યાં સુધી હુડાનો ડ્રાફ્ટ પ્લાન રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
10 સપ્ટેમ્બરે જાહેર થયો હતો શહેરનો વિકાસ નકશો
અત્રે ઉલ્લેખનીય છે કે, હિંમતનગર શહેરી વિકાસ સત્તા મંડળે ગત 10 સપ્ટેમ્બરે શહેરનો વિકાસ નકશો જાહેર કર્યો હતા. મુખ્ય કારોબારી અધિકારી ક્રિષ્ણા વાઘેલાએ દૈનિકપત્રોમાં વિકાસ નકશાની વિગતો પ્રસિદ્ધ કરાવી હતી. વિકાસ નકશામાં તાલુકાના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં પરબડા, ધાણધા, સવગઢ, કાટવાડ, બોરીયા ખુરાદ, પીપલોદી, હડીયોલ, કાંકણોલ, બેરણા, બલવંતપુરા અને નવા ગામનો સમાવેશ થાય છે.