હિંમતનગર નાગરિક બેંકની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો સફાયો, વિકાસ પેનલનો દબદબો

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાની આર્થિક કરોડરજ્જુ ગણાતી હિંમતનગર નાગરિક સહકારી બેંકની હાઈવોલ્ટેજ ચૂંટણીના પરિણામો અંતે જાહેર થઈ ગયા છે. લાંબી કાયદાકીય લડાઈ બાદ યોજાયેલી આ ચૂંટણીમાં મતદારોએ ફરી એકવાર જૂના અને અનુભવી ડિરેક્ટર્સ પર ભરોસો મૂક્યો છે. ‘વિકાસ પેનલ’ સામે પરિવર્તનના નામે મેદાનમાં ઉતરેલી પેનલને મતદારોએ નકારી કાઢી છે અને સત્તાધારી જૂથનો ભવ્ય વિજય થયો છે.
ચૂંટણીમાં 13 બેઠકો માટે કુલ 42 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. રવિવારે યોજાયેલા મતદાનમાં અંદાજે 12887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. રવિવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી સતત પાંચ કલાક સુધી ચાલી હતી અને મોડી રાત્રે ચૂંટણી અધિકારી પરીક્ષિત વખારિયાએ પરિણામોની સત્તાવાર જાહેરાત કરી હતી. આ પરિણામોમાં પરિવર્તન પેનલના તમામ ઉમેદવારોની કારમી હાર થઈ છે, જ્યારે વિકાસ પેનલના 13 માંથી 12 ઉમેદવારો ફરીથી ચૂંટાઈ આવ્યા છે.
આ ચૂંટણીની સૌથી ખાસ વાત એ રહી કે 13 માંથી 12 ડિરેક્ટર્સ તો એ જ છે જેઓ અગાઉ પણ બોર્ડમાં હતા. જોકે, અમૃતકુમાર બાબુલાલ પુરોહિતે નવા ચહેરા તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સ્થાન મેળવ્યું છે. હવે આ નવું બોર્ડ વર્ષ 2026 થી 2031 સુધીના પાંચ વર્ષના કાર્યકાળ માટે બેંકનો વહીવટ સંભાળશે. સામાન્ય વિભાગની 10 બેઠકો ઉપરાંત મહિલા અને અનામત બેઠકો પર પણ વિકાસ પેનલના ઉમેદવારોનો દબદબો રહ્યો હતો.
વિજેતા ઉમેદવારોમાં હિરેનકુમાર ગોર (7733 મતો) સૌથી વધુ મતો સાથે મોખરે રહ્યા હતા. અન્ય વિજેતાઓમાં દિગ્વિજયસિંહ ચાવડા, કેતનકુમાર મોદી, નલીનકુમાર એમ. પટેલ, નલીનકુમાર આર. પટેલ અને જીતેન્દ્રકુમાર પટેલનો સમાવેશ થાય છે. મહિલા અનામત બેઠક પર કલ્પનાબેન પટેલ અને કપિલાબેન પટેલ વિજયી બન્યા છે, જ્યારે અનુસૂચિત જાતિ/જનજાતિ વિભાગમાંથી શશીકાંત સોલંકીએ જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ હિંમતનગરમાં સહકારી રાજકારણના સમીકરણો ફરી એકવાર સ્પષ્ટ થયા છે.
આપણ વાંચો: VGRCમાં રૂપિયા 5.78 લાખ કરોડના 5492 એમ.ઓ.યુ. થયા, સૌરાષ્ટ્ર-કચ્છ દેશનું ગ્રોથ એન્જિન બનશે



