
ખેડબ્રહ્મા, સાબરકાંઠાઃ ગુજરાતમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. સાબરકાંઠા (Sabarkantha Rain Update) જિલ્લામાં ખેડબ્રહ્મા (Khedbrahma)માં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. ખેડબ્રહ્માની હરણાવ નદી (Harnav River)માં પાણીની આવક નોંધાઈ છે અને પાણીની આવક થતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાંથી પણ નદીમાં પાણીની આવક નોંધાઈ છે, વરસાદ વરસતા ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠા (Banaskantha Rain Update)માં સૌથી વધારે વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, ખેડબ્રહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.
સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો
આ સિઝનમાં પ્રથમવાર ખેડવા ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, હરણાવ નદી બે કાંઠે વહેતી થતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થશે. સાબરકાંઠાનો ઈડર ભિલોડા સ્ટેટ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે, લાલપુર પાસે વૃક્ષ પડતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે, ફાયર વિભાગ વૃક્ષને દૂર કરવાની કામગીરી કરી રહ્યું છે, તો વૃક્ષ દૂર થશે ત્યારબાદ રસ્તો કલિયર થશે અને અવર-જવર શરૂ કરવામાં આવશે.

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી
ગુજરાતના અન્ય જિલ્લામાં વરસાદની વાત કરવામાં આવે તો, હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. 6 જિલ્લામાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સાથે બનાસકાંઠા, પાટણ, મહીસાગર અને સાબરકાંઠામાં 1 વાગ્યા સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો
આજની વાત કરવામાં આવે તો, બપોરે 12 વાગ્યા સુધીમાં ગુજરાતના અને બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 5 ઈંચ, સુરતના કામરેજ તાલુકામાં 1.06 ઈંચ, નવસારીના જલાલપોર તાલુકામાં 1.1 ઈંચ, રાજકોટના જેતપુર તાલુકામાં 1.1 ઈંચ, જુનાગઢના વિસાવદર તાલુકામાં 1.14 ઈંચ, વલસાડના કપરાડા તાલુકામાં 1.37 ઈંચ, નવસારી તાલુકામાં 1.34 ઈંચ અને નવસારીના ગણદેવી તાલુકામાં 1.42 ઈંચ વરસાદ નોંધાયો છે.