પ્રાંતિજમાં સાબર ડેરી સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ! દૂધ ઢોળીને ચેરમેનના છાજીયા લીધા

પ્રાંતિજઃ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં પશુપાલકોનો વિરોધ બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યો છે. આજે વહેલી સવારે દૂધ ઢોળીને ચેરમેને છાજીયા લીધા અને ડેરી આગળ નનામી કાઢીને અગ્નિ સંસ્કાર કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. છેલ્લા ત્રણથી ચાર દિવસથી સાબર ડેરી સામે પશુપાલકો વિરોધ નોંધાવી રહ્યાં છે. તેમ છતાં જવાબદાર લોકો દ્વારા પશુપાલકોના હિતમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

પ્રાતિજમાં પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો
સાબરડેરી દ્વારા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ભાવ ફેર ઓછો ચુકવવામાં આવ્યો છે, જેથી અત્યારે પશુપાલકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. એટલું જ નહીં પરંતુ પશુપાલકોની રજૂઆતને પણ ડેરી દ્વારા સાભળવામાં આવી નથી. અત્યારે બંને જિલ્લાના પશુપાલકોએ સાબરડેરી આગળ ભાવફેરને લઈને હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ધર્ષણ પણ થયું હતું. વિરોધ વધારે ઉગ્ર બનતા પોલીસે ટોળાને વિખેર વા લાઠીચાર્જ અને ટીયરગેસ સેલ છોડ્યા હતા. આ સાથે વિરોધ કરી રહેલ કેટલાક પશુપાલકોની અટકાયત પણ કરવામાં આવી હતી.
પશુપાલકોએ દૂધ ઢોળીને સાબર ડેરીના ચેરમેનના છાજીયા લીધા
આજે બીજા દિવસે પણ પ્રાંતિજ સહિત તાલુકા પશુપાલકોએ દૂધ ડેરીમાં ભરવાને બદલે ડેરી આગળ ઢોરી વિરોધ કર્યો હતો. જેમા પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારમાં આવેલ ડેરી આગળ પશુપાલકોએ ભેગા થઈ પોતાનું દૂધ ડેરીમાં ભરાવવાને બદલે ડેરી આગળ દૂધ ઢોરી વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પરંતુ પશુપાલકોએ દૂધ ઢોળીને સાબરડેરીના ચેરમેનના છાજીયા લીધા હતાં. આ સાથે પશુપાલકો દ્વારા નાનીભાગોળ વિસ્તારમાં સાબરડેરીના ચેરમેનની નનામી કાઢવામાં આવી હતી. જ્યા સુધી ન્યાય નહીં મળે ત્યા સુધી લડી લેવા પશુપાલકોએ તૈયારી બતાવી હતી.
આપણ વાંચો: અમદાવાદ મનપાના હેલ્પલાઈન નંબર 7326 જેટલી ફરિયાદો મળી, જાણો કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો…
પશુપાલકોએ સાબર ડેરીના સત્તાધારીઓને આપી ચેતવણી
પોલીસ દ્વારા પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો જવાબ આપવામાં આવે, જે પશુપાલકોની અટકાયત કરી છે તેમને છોડી દેવામાં આવે અને પશુપાલકોના હકનો ભાવ વધારો તેમને આપી દેવામાં આવે! પશુપાલકોએ ચેતવણી આપી છે કે, જો આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો, હજી પણ વધારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સાબર ડેરીની રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. અત્યારે પ્રાંતિજમાં બીજા દિવસે પણ ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના પશુપાલકો સાબર ડેરી સામે આકરા પાણીએ આવી ગયાં છે.