સાબરકાંઠાના તલોદમાં બે જુથ વચ્ચે અથડામણ, ટોળાએ પોલીસ પર હુમલો કર્યો

તલોદ : સાબરકાંઠા જિલ્લાના તલોદમાં ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ સાબરકાંઠાના તલોદના હરસોલ બજારમાં સામાન્ય બાબતમાં બે જુથ વચ્ચે અથડામણ થઇ હતી.
જેની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સમગ્ર મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર જ હુમલો કર્યો હતો. આ મામલામાં 6 લોકોને ઇજા પહોંચી છે. જેની બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ હાથ શરૂ કરી છે.
આપણ વાંચો: રાજકોટમાં ‘બુલડોઝર’ એક્શન; પોલીસ પર હુમલો કરનારા સામે આકરી કાર્યવાહી
પોલીસને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં બે લોકો વધુ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.
તેમજ પોલીસ પર હુમલો કરનારા લોકોની અટકાયત કરી છે. સાબરકાંઠાના તલોદના હરસોલ બજારમાં પોલીસને માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
તલોદમાં ગઈકાલે અંગત અદાવતમાં વિવાદ થયો હતો
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના તલોદના વસ્તાજીના મુવાડાના શખ્સ અને જેઠાજીના મુવાડાના શખ્સો વચ્ચે વરઘોડા બાબતે વિવાદ થયો હતો. તેની ફરિયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી.