પાટણના સાંતલપુરના લોદરા ગામે ચાર યુવકોને પકડી, વાળ કાપી, બાંધીને માર માર્યાં

પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુરમાં એક ચાર યુવકોને ગામલોકોએ તાલિબાની સજા આપી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સાંતલપુરના લોદરા ગામમાં આ સમગ્ર ઘટના બની હતી. આ ગામના લોકોએ ચાર યુવકોને પકડીને પહેલા માથાના વાળ કાપ્યા અને બાદમાં બાંધીને માર મારીને સજા આપી હતી. એટલું જ નહીં પરંતુ આનો વીડિયો બનાવીને વાયરલ પણ કર્યો હતો. જો કે, આ સમગ્ર મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
સાંતલપુરના લોદરા ગામમાં બની આ સમગ્ર ઘટના
ઘટના એવી છે કે, કાંકરેજ તાલુકાનો એક યુવક પોતાની પ્રેમિકાને મળવા માટે મિત્રો સાથે સાંતલપુરના લોદરા ગામમાં પહોંચ્યો હતો. પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીને ગામલોકો જોઈ ગયા અને પકલી લીધો હતો. એટલું જ નહીં પરંતુ તેની સાથે આવેલા અન્ય ત્રણ મિત્રોને પણ પકડી લીધા હતાં. મહત્વની વાત એ છે કે, ગામલોકોએ પોલીસને જાણ ના કરી અને જાતે જ કાયદો હાથમાં લીધો હતો. ગામલોકો એટલા આક્રોશમાં આવી ગયા કે, પહેલા તો ચારેય યુવકોના માથાના વાળ કાપી કરીને અર્ધમૂંડન કર્યું હતું. આ વીડિયોની અત્યારે ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે.
સમાજની ઘટના હોવાથી યુવકોએ ફરિયાદ કરવાની ના પાડી
આ ઘટનાનો કેટલાક લોકોએ વીડિયો બનાવીને સોશયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયા વાયરલ થતા અત્યારે ઘટના ચર્ચાનું કેન્દ્ર બન્યી છે. આ મામલે વારાહી પીએસઆઈ વાયએન પટેલે વિગતો આપતા જણાવ્યું કે, આ યુવકો કોઈ યુવતીને મળવા માટે ગયાં હતાં. આ દરમિયાન ગામલોકોએ તેમનો પકડી લીધા હતા.
પોલીસે આ મામલે તપાસ કરવા માટે યુવકોને સંપર્ક કર્યો હતો. પરંતુ યુવકોએ આ મામલે સમાજનો હોવાથી આગળ કોઈ કાર્યવાહી કરવાની મનાઈ કરી હતી. લોદરા ગામના પણ ચાર લોકોને બોલાવવામાં આવ્યાં હતાં. પરંતુ કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.