
પાટણ: પાટણ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આજે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજાઈ રહી છે. જેથી ભારે વરસાદ વચ્ચે પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દેખાડ્યો છે. વરસાદી માહોલ હોવા છતાં સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળ્યો છે. વરસાદ વચ્ચે પણ મતદાનમાં આટલો ઉત્સાહ દેખાય છે તે લોકશાહીના પર્વ પ્રત્યે નાગરિકોની જાગૃતતા છે. પ્રથમ બે કલાકમાં જ જિલ્લામાં અંદાજિત 3 ટકા મતદાન નોંધાયું હોવાની માહિતી મળી છે.
પાટણ જિલ્લામાં 5,13,786 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
પાટણ જિલ્લાની 9 તાલુકાઓની કુલ 232 સરપંચ બેઠકો અને 563 વોર્ડ બેઠકો માટે આજે મતદાન શરૂ થયું છે. આ ચૂંટણી માટે જિલ્લાભરમાં કુલ 606 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 642 મતપેટીઓમાં બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પાટણ જિલ્લામાં કુલ 5,13,786 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાના નેતાની પસંદગી કરવાના છે. મતદારોની વાત કરવામાં આવે તો 2,62,699 પુરુષ મતદારો છે અને 2,51,087 સ્ત્રી મતદારોછે. આ ઉપરાંત 405 સેવા મતદારો પણ નોંધાયેલા છે.
ચૂંટણી પ્રક્રિયામાં શાંતિપૂર્ણ રીતે યોજવા માટે વહીવટી તંત્ર સજ્જ
ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા દરેક પ્રયત્ન કર્યા છે. આ માટે 94 અધિકારીઓ અને 94 મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ 3402 પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવી રહ્યો છે. મતદાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 1225 પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વરસાદી વાતાવરણ હોવા છતાં મતદારોનો આ ઉત્સાહ ખરેખર પ્રશંસનીય છે અને તે પાટણ જિલ્લાના લોકોની લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. હવે જોવું રહ્યું કે દિવસના અંતે કુલ કેટલું મતદાન નોંધાય છે.