મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું આયોજન, જાણો કેવુ છે આયોજન

મહેસાણાઃ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ વિખ્યાત ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં આગામી તારીખ 17 અને 18 જાન્યુઆરીના રોજ ભવ્ય ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રીય નૃત્યોની ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતા આ દ્વિદિવસીય મહોત્સવમાં વિશ્વ વિખ્યાત શાસ્ત્રીય નૃત્ય કલાકારો પોતાની નૃત્ય પ્રસ્તુતિ કરશે. આ મહોત્સવ બંને દિવસ સાંજે 06:30 વાગ્યાથી શરૂ થશે અને કલા રસિકોને શાસ્ત્રીય નૃત્યરસનું પાન કરાવશે.
આપણ વાચો: ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણી: કોને કયો વિભાગ મળ્યો?
મોઢેરાના પ્રાંગણમાં વિવિધ શાસ્ત્રીય નૃત્યોનું આયોજન
ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬ના ભાગરૂપે ઓડીસી, ભરતનાટ્યમ, કથ્થક, મણીપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા શાસ્ત્રીય નૃત્ય પ્રકારના વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા પ્રસ્તુતિ કરાશે.
મહોત્સવના પ્રથમ દિવસે, એટલે કે તારીખ 17 જાન્યુઆરી 2026ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના (ઓડીસી), મીનાક્ષી શ્રીયન (ભરતનાટ્યમ), માયા કુલશ્રેષ્ઠા (કથ્થક), પેરી કૃષ્ણ હર્ષિતા (ભરતનાટ્યમ), ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય (મણીપુરી) અને બીના મહેતા (કુચિપુડી) દ્વારા તેમની કલા રજૂ કરવામાં આવશે.
આપણ વાચો: રાજ્યના 9 માતાજીના સ્થાનકોએ નોરતાને લઈને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો!
બીજા દિવસે ક્યાં કલાકારો નૃત્ય પ્રસ્તુત કરશે?
ઉત્તરાર્ધ મહોત્સવના દ્વિતીય દિવસે, તારીખ 18 જાન્યુઆરી ૨૦૨૬ના રોજ કલાકાર મનિકંદન એ. (કથકલી), ખુશ્બુ પંચાલ (કથ્થક), જુગનુ કીરણ કપાડીયા (ભરતનાટ્યમ), ડૉ. માધુરી મજમુદાર (કુચિપુડી), ડૉ. ડિમ્પલ સાઇકિયા (સતરીયા), પુષ્પિતા મિશ્રા (ઓડીસી) અને આર્યા નંદે (ઓડીસી) દ્વારા નૃત્ય પ્રસ્તુતિ કરીને કલા રસિકોને નૃત્યરસ પાન કરાવશે.
સૂર્યમંદિરની પ્રાચીન પરંપરાને જીવંત રાખતો ઉત્સવ
ઉત્તરાયણના ઉત્સવ પછી જ્યારે સૂર્યની ઉત્તર તરફની ઉર્ધ્વગતિ એટલે કે સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ સમયે શિયાળો અંત તરફ જઇ રહ્યો હોય અને દિવસ લાંબો થવાની શરૂઆત થતી હોય, તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઉજવવાની પરંપરા રહેલી છે.
મોઢેરાનું સૂર્યમંદિર સૂર્ય અને ગ્રહોની સ્થિતિ તથા સૂર્યના પૃથ્વી ભ્રમણના આદિકાળના ઇજનેરી કૌશલ્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ ભવ્ય પ્રાંગણની પૃષ્ઠભૂમિમાં આ મહોત્સવની ઉજવણી ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને દર્શાવે છે.
આપણ વાચો: આદિ શંકરાચાર્ય જયંતીએ આદિ શંકરાચાર્ય હિંદુ ધર્મ અને સાંસ્કૃતિક એકતાના પુન: સ્થાપક
શાસ્ત્રીય નૃત્યોનો દિવ્ય ઉત્સવ માણવા લોકોને આમંત્રણ
આ ભવ્ય કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટર જશવંત કે. જેગોડાના અધ્યક્ષસ્થાને સૂર્યમંદિર, મોઢેરા ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત અધિકારીઓને કાર્યક્રમનું સફળ અને સુચારુ આયોજન થાય તે માટે સૂચના આપવામાં આવી હતી.
મોઢેરા સૂર્ય મંદિરની પવિત્ર ધરતી પર શાસ્ત્રીય નૃત્યોનો દિવ્ય ઉત્સવ માણવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.



