વિસનગરમાં પ્રોફેસરના ત્રાસથી વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા

મહેસાણા: ગુજરાતમાં વધુ એક વિદ્યાર્થિની આત્મહત્યાની ઘટના ઘટી છે. વિસનગરની હોમિયોપથી કૉલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હતી. દીકરીના આપઘાત બાદ પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કૉલેજના આચાર્ય અને 4 પ્રોફેસર સહિત 5 સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો.
વિદ્યાર્થીની મૂળ સુરેન્દ્રનગર જિલ્લાની વતની
પ્રાપ્ત વિગતો અનુસાર આત્મ હત્યા કરનાર વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળી મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના નાગવાડા ગામની રહેવાસી છે અને મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આઇ મર્ચન્ટ કોલેજની હોમિયોપેથી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. બુધવારે તેણે તેના હોસ્ટેલ રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીના પિતા દ્વારા ચાર પ્રોફેસરો અને પ્રિન્સિપાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આપણ વાંચો: પત્ની-પુત્રની હત્યા કરી આત્મહત્યાનો દેખાવ કરનારા પતિનો ભાંડો ફૂટ્યો
BHMSના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની
મળતી વિગતો અનુસાર વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળી બાસણા મર્ચન્ટ કોલેજમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના રૂમ નંબર બી-212માં બુધવારના રોજ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીની BHMSના (હોમિયોપેથીક) પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી.
4 પ્રોફેસરની અટકાયત
વિસનગર હોમિયોપેથી કોલેજમાં વિધાર્થિની આત્મહત્યા કેસમાં વિધાર્થિનીના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ આધારે પોલીસે આચાર્ય અને 4 પ્રોફેસરની અટકાયત કરી છે. પરિવારના લોકોનો આક્ષેપ છે કે પ્રોફેસરોના ત્રાસથી કંટાળીને વિધાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિનીને માનસિક ટોર્ચર કરવામાં આવતી હોવાનો પણ વાલીએ આક્ષેપ મૂક્યો છે.