દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને ઝટકો, કોર્ટે કન્વિક્શન મોકૂફ રાખવાની અરજી ફગાવી…

અમદાવાદઃ મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને મહેસાણા સેશન્સ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. વિપુલ ચૌધરી હવે આગામી સમયમાં યોજાનાર દૂધસાગર ડેરીની ચૂંટણી નહી લડી શકે. વિગતે વાત કરવામાં આવે તો, સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. આ સજા ઉપર સ્ટે મૂકવા માટે વિપુલ ચૌધરીએ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. વિપુલ ચૌધરીની અરજીને કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. આ કેસના કારણે મહેસાણા સહિત ગુજરાતના દૂધિયા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કોર્ટે વિપુલ ચૌધરીની સજા પર સ્ટે માટેની અરજી ફગાવી
મહેસાણાની દૂધસાગર ડેરીની આગામી સમયમાં ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન અશોક ચૌધરી સામે પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની પેનલ વચ્ચે ચૂંટણી થનાર છે. દૂધસાગર ડેરીમાં સત્તા મેળવવા માટે વિપુલ ચૌધરીએ તેમજ સત્તા જાળવી રાખવા માટે અશોક ચૌધરીએ કમર કસી છે. જો કે મહેસાણા સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીની સજા પર સ્ટે માટેની અરજી ફગાવી દીધી હોવાથી હવે તેઓ દૂધસાગર ડેરીના નિયામક મંડળની આગામી ચૂંટણી નહી લડી શકે. દૂધસાગર ડેરીની ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે માઠાં સમાચાર કહીં શકાય તેવા છે. સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરી સહિત 15 આરોપીઓને 7 વર્ષની સજા થઈ છે.
કન્વિક્શન મોકૂફ રાખવા માટે વિપુલ ચૌધરીએ કરી હતી અરજી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, બે વર્ષથી વધુની સજા થઈ હોય તેવી વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. તેવી કાયદાકીય જોગવાહી હોવાથી વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીની ચૂંટણી લડવા માટે સજા ઉપર સ્ટે મૂકવા મહેસાણા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સાગરદાણ કેસમાં થયેલું કન્વિક્શન મોકૂફ રાખવા માટે તેમણે કરેલી અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. તેથી વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડવાની મહેચ્છા ઉપર પાણી ફરી વળ્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણાની દૂધસાગર ડેરીએ વર્ષ 2013માં 22.50 કરોડ રૂપિયાનું સાગરદાણ મહારાષ્ટ્રમાં મોકલાવ્યું હતું. જેના સંદર્ભે વર્ષ 2014માં વિપુલ ચૌધરી સહિત 22 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી હતી. પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી સામે 21 હજાર પાનાની ચાર્જશીટ દાખલ થઈ હતી. આ કેસના 22 આરોપી પૈકી ત્રણ આરોપીના મૃત્યુ થયા હતા. જ્યારે 19 આરોપીઓ પૈકી 15 આરોપીઓને દોષિત ઠેરવી કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી. વિપુલ ચૌધરી, પૂર્વ એમડી નિશિથ બક્ષી, પૂર્વ એક્ઝિ. ડિરેક્ટર પીઆર પટેલ, પૂર્વ એકાઉન્ટ હેડ રશ્મિકાંત મોદી, પૂર્વ વાઇસ ચેરમેન જલાબેન રબારી સહિત 15 આરોપીને સજા ફટકારી હતી.



