ઉત્તર ગુજરાતના આ ગામના મહિલા સરપંચનો ક્રાંતિકારી નિર્ણય, દારૂડિયાને ગામમાં બનેલા પાંજરામાં પુરાશે

મહેસાણાઃ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાન્છા ગામના મહિલા સરપંચે ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. જે અંતર્ગત ગામમાં જે વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તેને પાંજરામાં પુરાવામાં આવશે. મહિલા સરપંચ શાંતાબેન ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયેલી ગ્રામસભામાં ગામના સર્વાંગી વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક ક્રાંતિકારી ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા.
પ્રસ્તાવને તમામ સમાજના અગ્રણીઓએ ટેકો આપ્યો
ગામમાં નશાબંધીનો કડક અમલ કરાવવા માટે નશાબંધી સમિતિના પ્રસ્તાવને તમામ સમાજના અગ્રણીઓએ ટેકો આપ્યો હતો. ઠરાવ મુજબ, જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને પોલીસના હવાલે કરવામાં ન આવે ત્યાં સુધી ગામમાં બનાવેલા પાંજરા જેવી હંગામી જેલમાં પુરવામાં આવશે.
આ ઠરાવ પણ થયા
આ ઉપરાંત રાત્રે 11 વાગ્યા પછી જાહેર ચોક, મંદિર કે મસ્જિદ જેવા જાહેર સ્થળોએ બેસવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. પાણીનો બગાડ અટકાવવા માટે ગામમાં વોટર મીટર પ્રથા દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ ટ્રાફિકની સમસ્યા નિવારવા જાહેર રસ્તા પર પાર્કિંગ ન કરવા ઠરાવ પાસ કરાયો હતો.



