મહેસાણા

મહેસાણામાં ફૂટબોલ રમતા 13 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, પરિવાર આઘાતમાં

મહેસાણાઃ ગુજરાતમાં નાના બાળકોથી લઈ યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ સુરત પછી હવે મહેસાણામાં 13 વર્ષનો વિદ્યાર્થી હાર્ટ એટેકનો ભોગ બન્યો છે. મહેસાણા-અમદાવાદ હાઈ-વે પર આવેલા તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફૂટબોલ રમતા 13 વર્ષના વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું હતું. મળતી વિગતો પ્રમાણે આ વિદ્યાર્થી વાંકાનેરનો રહેવાસી હતો. આ શાળામાં ત્રણ વર્ષ પહેલા જ ભણવા માટે આવ્યો હતો. દીકરાના અકાળે મૃત્યુને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.

ફૂટબોલ રમતા રમતા વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો

વિગતે વાત કરવામાં આવે તો આ ઘટના 24 નવેમ્બર રવિવારે સાંજે 5 વાગ્યે બની હતી. મૂળ વાંકાનેરની ધરમ સોસાયટીનો રહેવાસી જૈમીલ ગૌતમભાઈ કંસગારા રવિવારે તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલના મેદાનમાં તેના અન્ય મિત્રો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. આ દરમિયાન ફૂટબોલ રમતા રમતા અચાનક જૈમીલ ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો હતો. સત્વરે સારવાર માટે જૈમીલને શંકુજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ જૈમીલને મૃત જાહેર કર્યો હતો.

આ પણ વાંચો: સુરતની કોલેજમાં સ્પીચ આપતી 24 વર્ષની અમદાવાદની યુવતી ઢળી પડી, હાર્ટ એટેકથી મૃત્યુ

પોલીસે આ મામલે અકસ્માતે મોતનો કેસ દાખલ કર્યો

તબીબોએ જણાવ્યું કે, જૈમીલનું હાર્ટ ચાલી રહ્યું નહોતો. આ મામલે જાણ થતા પોલીસ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જૈમીલના પિતાના કહેવાના આધારે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. દીકરાના મોત મામલે પરિવારે કે માતા-પિતાએ કોઈ શંકા નથી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પરિવારનું કહેવું છે કે, જૈમીલને આ પહેલા પણ ચક્કર આવવાની સમસ્યાઓ આવેલી છે. જો કે, આ મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.

વધુ દોડવાના કારણે હાર્ટ પર અસર થઈ હોઈ શકે

આ અંગે મહેસાણા સિવિલ હોસ્પિટલના તબીબનું કહેવું છે કે, ફાઈનલ રિપોર્ટ આવ્યાં બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે. અત્યારે માત્ર એટલું કહી શકાય કદાચ વધુ દોડવાના કારણે તેના હૃદય પર અસર થઈ હોઈ શકે અને લોહી જામી જવાના કારણે તેના હાર્ટ બંધ થયું હોય! જોકે, ડૉક્ટરોના જણાવ્યાં પ્રમાણે આ માત્ર સંભાવનાઓ છે, કોઈ ચોક્કસ કારણ નથી. પરંતુ નાના બાળકોમાં આવી સમસ્યાઓ વધી રહી છે તે ખરેખર ચિંતાનો વિષય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button