સુંદર અક્ષર બાળકનો આત્મવિશ્વાસ, ગુજરાતી લેખનને સુધારવા મહેસાણાની આ શાળાએ શરૂ કર્યું અભિયાન

મહેસાણાઃ મહેસાણાના વિઠોડામાં આવેલી શ્રીમતી કે.વી. શાહ અનુપમ પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓના ભવિષ્યને સુંદર આકાર આપવા એક અનોખી પહેલ કરી રહી છે. વર્ષ 2010થી ચાલી રહેલા આ અભિયાનમાં બાળકોને ગુજરાતી લેખનને સુંદર, સચોટ અને અસરકારક બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવે છે.
આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓની હસ્તલેખન ક્ષમતા, શબ્દભંડોળ અને અભિવ્યક્તિમાં જબરદસ્ત સુધારો આવ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ સુલેખન સ્પર્ધા, નિબંધ અને કાવ્ય લેખનમાં નિયમિતપણે પ્રથમ સ્થાન મેળવી રહ્યા છે. શિક્ષકોના મતે, સુંદર હસ્તલેખન એ આત્મવિશ્વાસની ચાવી છે. ‘ખરાબ લખાવટ અધૂરી કેળવણીની નિશાની છે’ – ગાંધીજીનો આ વિચાર અહીં મૂર્તિમંત થયો છે.
આપણ વાચો: સુધરાઈની સ્કૂલના વિદ્યાર્થીઓ માટે નવા ટૅબની ખરીદી કરાશે
આ શાળામાં વર્ષ 2010થી ચાલી રહ્યું છે આ અભિયાન
મહેસાણાના વિઠોડાની શ્રીમતી કે.વી. શાહ અનુપમ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા પ્રયત્ન કરવામાં આવે છે. અહીં શિક્ષકોએ ગુજરાતી લેખનને બહેતર બનાવવાનું અભિયાન અપનાવ્યું છે. આનાથી વિદ્યાર્થીઓ માત્ર સારું લખતા નથી, પણ ભાષા સાથે તેમનો સંબંધ પણ મજબૂત બન્યો છે.
વર્ષ 2010થી ચાલી રહેલા આ પ્રયાસને કારણે બાળકોની હસ્તલેખન શૈલી અને અભિવ્યક્તિ શક્તિમાં મોટો સુધારો થયો છે. સુંદર લખાવટ બાળકનો આત્મવિશ્વાસ વધારે છે, જ્યારે નબળી લખાવટ તણાવ આપી શકે છે. આ શાળાના બાળકો સ્પર્ધાઓમાં નિયમિતપણે શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે.
આપણ વાચો: ‘કેનેડા ચેપ્ટર ક્લોઝ’: વિઝા અને નોકરીના અભાવે સેંકડો ગુજરાતી વિદ્યાર્થીઓ સ્વદેશ પરત ફર્યાં
વિદ્યાર્થીઓમાં લેખન સુધારવા માટે કરવામાં આવ્યા પ્રયત્નો
આ પહેલને કારણે વિદ્યાર્થીઓમાં શિસ્ત, ધીરજ અને સર્જનશીલતાના ગુણો વિકસ્યા છે. લેખનમાં થતી ભૂલો ઘટી છે અને શાળામાં તેમની પ્રગતિ સ્પષ્ટ દેખાય છે. લેખન સુધાર્યા પહેલાં, વિદ્યાર્થીઓ અક્ષરો વચ્ચે વધુ જગ્યા છોડવા જેવી ભૂલો કરતા હતા, જેનાથી લખાણ સારું નહોતું લાગતું, પણ હવે તેમાં સુધારો થયો છે.
વિદ્યાર્થીઓને લેખન સુધારવા માટે લખાણની રચના, સ્વર, વ્યંજન અને ફકરાઓનો સમાવેશ કરતો એક ચાર્ટ આપવામાં આવ્યો હતો. ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે, જેનાથી બાળકોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત થાય છે.

ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના જગાવી
આ પરિયોજનાએ વિદ્યાર્થીઓમાં માત્ર પરીક્ષામાં સારા ગુણ નહીં, પણ ગુજરાતી ભાષા પ્રત્યે પ્રેમ અને ગૌરવની ભાવના જગાવી છે. આ પહેલ સાંસ્કૃતિક જોડાણને પણ મજબૂત બનાવે છે. આ પ્રેરણાદાયક અભિયાન વિદ્યાર્થીઓને માત્ર સારા ગુણ માટે જ નહીં, પણ સફળ ભવિષ્ય માટે પણ તૈયાર કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ પણ આ માટે ખૂશી વ્યક્ત કરી છે અને શાળા તથા શાળાના શિક્ષકોના વખાણ કર્યાં છે.



