મહેસાણા

ભ્રષ્ટાચારે તમામ હદો વટાવી! તંત્ર ઊંઘતું રહ્યું અને કડી તાલુકાનું આખું ગામ બારોબાર વેચાઈ ગયું, અધિકારીઓ દોડતા થયા

મહેસાણા: ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી ભ્રષ્ટાચારનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જે સાંભળીને કોઈપણ સ્તબ્ધ થઈ જાય. સામાન્ય રીતે મકાન કે જમીનના દસ્તાવેજમાં છેતરપિંડી થતી હોય છે, પરંતુ અહીં તો હદ થઈ ગઈ છે. કડી તાલુકાના વડાવી ગામમાં વર્ષોથી વસેલા એક આખા વિસ્તારનો દસ્તાવેજ જ સબ-રજિસ્ટ્રાર કચેરી દ્વારા એક બિલ્ડરના નામે કરી દેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સરકારી શાળા, આંગણવાડી અને મંદિર જેવી જાહેર મિલકતોનો પણ સોદો કરી નાખાતા તંત્રની ‘લોલંલોલ’ નીતિ ખુલ્લી પડી ગઈ છે.

સૂત્રોની જાણકારી પ્રમાણે, વડાવી ગામના સર્વે નંબર ૩૩૩ પર ‘તરસનીયા પરૂ’ આવેલું છે, જ્યાં છેલ્લા 45 વર્ષથી 500 જેટલા લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં 1978 થી સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે અને અંદાજે 289 જેટલા નોંધાયેલા મતદારો પણ છે. આશ્ચર્યની વાત એ છે કે, 10 ડિસેમ્બરના રોજ અમદાવાદના એક બિલ્ડરે આ જમીન ખેડૂતો પાસેથી ખરીદી હોવાનું દર્શાવી કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ પણ કરાવી લીધો હતો. આ વાતની જાણ જ્યારે પ્રાથમિક શાળાના આચાર્યને થઈ ત્યારે સમગ્ર મામલો ગરમાયો હતો.

આ મસમોટા ખેલની જાણ જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને થઈ, ત્યારે તેણે શાળાના આચાર્ય સંજય ઠાકોરને એલર્ટ કર્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે જે જમીન પર શાળા અને આંગણવાડી ચાલે છે, તેનો દસ્તાવેજ થઈ ચૂક્યો છે. આચાર્યએ તાત્કાલિક જ મામલતદાર, ટીડીઓ અને પ્રાંત અધિકારીને વાંધા અરજી આપી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. પ્રશ્ન એ ઉભો થાય છે કે, જે જમીન પર વર્ષોથી સરકારી બાંધકામો અને લોકોના મકાનો છે, તેની ચકાસણી કર્યા વગર રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ કેવી રીતે કરી આપ્યો?

આ ઘટનાને પગલે કડી મામલતદાર માધવીબેન પટેલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રેવન્યુ તલાટી અને સર્કલ ઓફિસરને સ્થળ પંચનામું કરવા માટે દોડાવવામાં આવ્યા છે. સર્કલ ઓફિસર ફાલ્ગુન પરમારે જણાવ્યું હતું કે આ કેસમાં તકરારી નોંધ દાખલ કરવામાં આવી છે. 1976 ના ગણોતધારાના જૂના રેકોર્ડ અને વારસાઈ નોંધના આધારે અત્યાર સુધી આ જમીન ખેડૂતોના નામે હતી, પરંતુ અચાનક થયેલા આ દસ્તાવેજે વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

પોતાના ઘર અને આખું ગામ જ કોઈ અજાણ્યા બિલ્ડરના નામે થઈ ગયું હોવાની વાત વાયુવેગે ફેલાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ઠાકોર અને રબારી જ્ઞાતિના પરિવારો જ્યાં પેઢીઓથી રહે છે, ત્યાં હવે કાયદાકીય ગુંચવણ ઉભી થઈ છે. લોકોનું કહેવું છે કે જો સરકારી મિલકતો જ સુરક્ષિત ન હોય, તો સામાન્ય માણસની મિલકતનું શું? હાલમાં તો તંત્ર આ મામલે ‘ભૂલ’ સુધારવાની વાત કરી રહ્યું છે, પરંતુ આ કૌભાંડ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે તેની તપાસ થવી અનિવાર્ય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button