આરોગ્ય વિભાગના રિપોર્ટે ચોંકાવ્યા, મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 સગીરઓ ગર્ભવતી થઈ…

મહેસાણા: મહેસાણા જિલ્લાના આરોગ્ય વિભાગે એક ચોંકાવનો રિપોર્ટ આપ્યો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ પ્રમાણે મહેસાણા જિલ્લામાં છેલ્લા 9 મહિનામાં 341 સગીર દીકરીઓ ગર્ભવતી થઈ હોવાનો ખુલાસો થયો છે. આ સગીર વયની દીકરીઓના ગર્ભવતી થવાના ચોંકાવનારા આંકડાએ ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. સગીર દીકરીઓ ગર્ભવતી થઈ છે તેનો સામાન્ય અર્થ એવો છે કે, અનેક દીકરીઓને બાળ લગ્ન થયા હશે. જેથી આરોગ્ય વિભાગ સાથે સાથે પોલીસ વિભાગ પર પણ સવાલો થઈ રહ્યાં છે. સ્વાભાવિક રીતે આ આંકડો સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
આરોગ્ય વિભાગનો આ આંકડો સમાજ માટે લાલબત્તી સમાન
આરોગ્ય વિભાગના રિપોર્ટની વાત કરવામાં આવે તો, મહેસાણા જિલ્લામાં છેલ્લા 9 મહિનામાં એટલે કે એપ્રિલ 2025થી ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં કુલ 341 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. જેમાં વિગતે જોતા 13થી 17 વર્ષની વયજૂથની આ સગીરાઓમાં 14 વર્ષની 2 દીકરીઓ, 15 વર્ષની 34 દીકરીઓ, 16 વર્ષની 76 દીકરીઓ અને સૌથી વધુ 17 વર્ષની 229 દીકરીઓનો ગર્ભવતી થઈ હોવાનું નોંધાયું છે. આ આંકડો સમાજ માટે લાલબત્તી સમાન છે. આ બાબતે સરકારે પણ ધ્યાન આપવાની જરૂર છે. આ આંકડા એવા છે જે આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે.
કડી તાલુકામાં 88 સગીર દીકરીઓ ગર્ભવતી નોંધાઈ
આ સાથે તાલુકા પ્રમાણે વાત કરવામાં આવે તો, કડીમાં 88 સગીર દીકરીઓ અને ત્યાર બાદ મહેસાણામાં 80 સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું નોંધાયું છે. આ તમામ સગીરા દીકરીઓના સ્વાસ્થ્યની ચકાસણી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ સાથે આરોગ્યલક્ષી જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. આ દીકરીઓના સ્વાસ્થ્ય અને તેમના ભવિષ્યને ધ્યાનમાં રાખીને તમામ સહાય પુરી પાડવામાં આવી રહી છે. આવા મુદ્દાઓ પર સમાજમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. આ રોગ્ય વિભાગ દ્વારા આ દિશામાં પણ કામગીરી કરવાની જરૂર છે.
મહેસાણા જિલ્લામાં કુલ 22,812 સગર્ભા મહિલાઓ નોંધાઈ
રિપોર્ટ પ્રમાણે મહેસાણા જિલ્લામાં કુલ 22,812 સગર્ભા મહિલાઓ નોંધાઈ છે, તેમાંથી 341 સગર્ભા દીકરીઓ સગીર હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. સગીર દીકરીઓને બાદ કરતા 18 વર્ષની 588 યુવતીઓ અને 19 વર્ષની 852 યુવતીઓ સગર્ભા હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે. આ દીકરીઓને બાળ લગ્ન થયાં છે કે કેમ તે મામલે હજી કોઈ ચોક્કસ વિગતો પ્રકાશમાં આવી નથી. આ દિશામાં તપાસ કરવામાં આવી શકે છે.



