પોર્ટુગલ જઈ રહેલા મહેસાણાના દંપતી અને 3 વર્ષની દીકરીનું લિબિયામાં અપહરણ

મહેસાણા: ગુજરાતીઓમાં યુએસ અને યુરોપના દેશો જઈને વસવાનો ટ્રેન્ડ જગજાહેર છે, પરંતુ આવી ઘેલછા વરવા પરિણામો તરફ દોરી જાય એવી ઘણી ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે. એવામાં મહેસાણા જિલ્લાના એક દંપતી અને તેમની ત્રણ વર્ષની દીકરીનું ઉત્તર આફ્રિકન દેશ લિબિયામાં અપહરણ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. દંપતી એજન્ટની મદદથી પોર્ટુગલ જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અપહરણકારોએ 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે.
અહેવાલ મુજબ બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમની પત્ની હીનાબેન અને તેમની દીકરા દેવાંશીનું લિબિયામાં અપહરણ કરવામાં આવ્યું છે. કિસ્મતસિંહ ચાવડાનો ભાઈ પોર્ટુગલમાં છે, આથી દંપતી પોર્ટુગલ સ્થિત એજન્ટની મદદથી ત્યાં સ્થાયી થવાના ઈરાદે રવાના થયું હતું.
આ રીતે પોર્ટુગલ જવાનો પ્લાન હતો:
અહેવાલ મુજબ દંપતી દીકરી સાથે 29 નવેમ્બરના રોજ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટ મારફતે દુબઈ પહોંચ્યું હતું. દુબઈથી તેઓ લિબિયાના બેનગાઝી શહેરમાં પહોંચ્યા હતાં, તેઓ ભૂમધ્ય સમુદ્ર મારફતે પોર્ટુગલ પહોંચવાનાં હતાં, પરંતુ લિબિયામાં જ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ બાદ અપહરણકર્તાઓએ કિસ્મતસિંહ પરિવારને સંબંધીઓનો સંપર્ક કર્યો છે અને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
વિધાનસભ્યએ સરકારને જાણ કરી:
ગત શુક્રવારે મહેસાણાના કલેક્ટર એસ.કે. પ્રજાપતિને ઘટનાની જાણ કરવામાં આવી હતી. વિધાનસભ્ય સીજે ચાવડાએ આ ઘટનાની જાણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને કરી છે.
તાજેતરના બની છે આ ઘટનાઓ:
ઓક્ટોબર મહિનાની ગાંધીનગર જિલ્લાના બે ગામોના ચાર લોકો એજન્ટની મદદથી ઓસ્ટ્રેલિયા માટે રવાના થયા હતાં, પરંતુ તેમને ઈરાન લઇ જવામાં આવ્યા અને અપહરણ કરવામાં આવ્યું. ભારત સરકારના હસ્તક્ષેપ બાદ તેમને છોડવામાં આવ્યા હતા.



