મહેસાણા

વડનગર સિવિલ હોસ્પિટલના Medical Superintendent 20 હજારની લાંચ લેતા ઝડપાયા…

મહેસાણાઃ ગુજરાતમાં એસીબી દ્વારા અનેક લાંચિયા સરકારી બાબુઓની ધરપકડ કરવામાં આવી રહે છે. છાશવારે એક સરકારી બાબુ તો લાંચ કેસમાં રંગે હાથે ઝડપાય જ છે. આવો જ એક કેસ મહેસાણા જિલ્લામાં બન્યો છે. અહી એક તબીબી અધિક્ષકને લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપી પાડ્યો છે. હવે તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ​ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મહેસાણા જિલ્લામાં વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-૧) ડો. હર્ષિદ લક્ષ્મણભાઈ પટેલને 20,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.

બિલો મંજૂર કરાવવા તબીબીએ માંગ્યાં હતા 20 હજાર રૂપિયા

આ કેસની વિગતે વાત કરવામાં આવે તો, ફરિયાદી જાગૃત નાગરિકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે. આ ગાડીઓના માસિક બિલો મંજૂર કરાવવા તેમજ લોગબુકમાં સહીઓ કરાવવા માટે તબીબી અધિક્ષક ડો. હર્ષિદ પટેલે ફરિયાદી પાસે રૂપિયા 20,000ની લાંચની માંગણી કરી હતી. ​ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એસીબી એકમનો સંપર્ક કર્યો હતો. જેના આધારે સિવિલ હોસ્પિટલ સ્થિત તબીબી અધિક્ષકની કચેરીમાં જ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી અધિકારી લાંચ માંગે તો 1064 પર ફરિયાદ કરો

એસીબી દ્વારા ગોઠવવામં આવેલા છટકા દરમિયાન આરોપી ડોક્ટરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા જ એસીબી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ​એસીબીએ લાંચની 20,000ની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તમારી પાસે કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી એક રૂપિયાની પણ લાંચ માંગે છે તો તમે 1064 પર ફોન કરીને ફરિયાદ કરી શકો છે. એસીબી દ્વારા ચોક્કસથી તમારી મદદ કરવામાં આવશે અને જે-તે અધિકારી-કર્મચારી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો…એસીબી ગુજરાતે લાંચ કેસમાં ત્રણ પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button