મહેસાણાના મંડાલીમાં વિચિત્ર અકસ્માતઃ કરન્ટ લાગતા અનેક કામદારો ભોગ બન્યા, બેનાં મોત

મંડાલીઃ મહેસાણા-અમદાવાદ હાઇવે પર મંડાલીમાં આવેલી ખાનગી કંપનીમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં અચાનક વીજ કરંટનો ભોગ બનતા અનેક કામદારો ગંભીર રીતે જખમી થયા હતા. 14 સપ્ટેમ્બરના બનેલા અકસ્માતમાં કંપનીની સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે. આ બનાવનો વીડિયો વાયરલ થયા પછી લોકોએ અનેક પ્રકારના સવાલો પણ કર્યા હતા.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર આવેલી એક ફેક્ટરીમાં રોડ મશીનરીના ઉત્પાદન સાથે જોડાયેલા કામદારો બપોરે 4 વાગ્યા આસપાસ ક્રેનને ચાલુ કરવાની તૈયારી કરી રહ્યા હતા. અચાનક ક્રેન આગળ વધી અને તેનું બૂમ ઉપરના 11,000 વોલ્ટના વીજ વાયરને અડી ગયું, જેનાથી વીજ પ્રવાહ ક્રેનમાં ફેલાઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ઘટના બનાતા સાથે સ્થાનિકોનું ટોળું મદદે આવ્યું હતું લોકોને વીજ કરંટથી છોડવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. ત્યારે તેમને પણ વીજ કરંટ લાગ્યો અને આઠ જેટલા કામદારો ત્યાં જ ઢળી પડ્યા. કંપનીના અન્ય કર્મચારીઓએ મહેનત કરીને ક્રેનને વીજ પ્રવાહથી અલગ કરી અને ઘાયલોને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં સુરક્ષા વ્યવસ્થાની અછતને કારણે વધુ નુકસાન થયું હોય તેમ લાગે છે.

આ ઘટનામાં ક્રેન ઓપરેટર મહંત અભિમન્યુ (ઉં.વ. 40, બિહાર) અને સિક્યોરિટી ગાર્ડ અમિત આર્ય (મધ્યપ્રદેશ)ના કરુણ મોત થયા, જ્યારે અન્ય છ કામદારો – દીપક અશોક ચૌધરી (બિહાર), મિતરંજન કુમાર (બિહાર), રાહુલ કુમાર પટેલ (બિહાર), રાહુલકુમાર ચૌહાણ (બિહાર), સનૌજકુમાર રાજભર (ઉત્તરપ્રદેશ) અને બિકીસિંધ ચૌધરી (ઉત્તરપ્રદેશ) – ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
ઘટનાની જાણ થતા જ નિરમા આઉટપોસ્ટના પોલીસ અધિકારીઓ ભરતભાઈ દેસાઈ અને હાર્દિકભાઈ ચૌધરી સહિતના સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચીને બચાવ કાર્ય અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક અમિત આર્યના પિતા નજીકની કંપનીમાં સિક્યોરિટી તરીકે કામ કરતા હતા, અને તેઓ પરિવારની કમાણી માટે મધ્ય પ્રદેશથી અહીં આવ્યા હતા. આ અકસ્માત કામદારોની મુશ્કેલીઓને ઉજાગર કરે છે અને કંપનીઓને વધુ સુરક્ષા પગલા લેવા માટે પ્રેરિત કરે છે.