‘મોદીજી, તમે મોકલેલી ગ્રાન્ટ અહીં તમારા નામે તરી ખાતા આખલા ચરી જાય છે’

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રસ્તાઓની ખરાબ હાલતનો મુદ્દો ગરમાયો છે. આમ આદમી પાર્ટીના તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વડાપ્રધાનને ‘કુછ દિન તો ગુજારીએ દહેગામ મેં’ કહીને આમંત્રણ આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વાઈબ્રન્ટ ગુજરાતની વાતો વચ્ચે દહેગામમાં વાઈબ્રન્ટ નહીં પણ વાઈબ્રેટ થતા અને ડાન્સ કરતા રસ્તાઓ જોવા મળે છે, જ્યાં ગાડીઓ તો ઠીક પણ માણસોના હાડકાં પણ સંતુલન ગુમાવી દે છે.
યુવરાજસિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને વડાપ્રધાનના ‘ના ખાવું, ના ખાવા દેવું’ ના સૂત્રને ટાંક્યું હતું. તેમણે લખ્યું કે તમે કહો છો હું ખાતો નથી, ખાવા દેતો નથી, પણ તમારા નામે ચૂંટાયેલા નેતાઓ અહીં બધું ખાઈ જાય છે! તેમણે આગળ લખ્યું કે, નેતાઓ રોડની કપચી, સિમેન્ટ, ડામર ખાઈ જાય છે. તેમણે કહ્યું કે જેમ આખલાઓ લીલીછમ ખેતર ચરી જાય, તેમ અહીંના ધારાસભ્યો અને સાંસદો વિકાસના નામે મળતી ગ્રાન્ટ ચરી જાય છે.
નમસ્કાર #નરેન્દ્ર_મોદીજી
— Yuvrajsinh Jadeja (@YAJadeja) January 11, 2026
સ્વાગત છે "ડાન્સિંગ રોડ" ના પ્રણેતા એવા ગુજરાત પાટનગરના દહેગામમાં!
#નરેન્દ્ર_મોદીજી
ગુજરાતની ધરતી પર આપનું સ્વાગત છે.
સોમનાથના સ્વાભિમાન પર્વ ઉપર આપ ઉપસ્થિત થયા – એ હર્ષની વાત છે.
પણ તમે જ કહેલું ને, “કુછ દિન તો ગુજારીએ ગુજરાતમાં…”
તો આજે અમે… pic.twitter.com/8qvgcTiIsz
આગળ તેમણે એમ પણ કહ્યું કે આ ગ્રાન્ટ ખાઈ-ખાઈને અધિકારીઓ અને નેતાઓના પેટના ખાડા મોટા થઈ ગયા છે અને દહેગામના રસ્તાઓમાં ખાડા જ ખાડા રહ્યા છે. તેમણે વડાપ્રધાનને ખાસ વિનંતી કરી છે કે જ્યારે તેઓ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીની મુલાકાતે જાય ત્યારે આ જ બિસ્માર રસ્તેથી પસાર થાય, જેથી તેમને વાસ્તવિકતાનો ખ્યાલ આવે.
રસ્તાની સ્થિતિનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે આ માર્ગો ગર્ભવતી મહિલાઓ, બીમાર દર્દીઓ અને સામાન્ય વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. મોંઘી ગાડીઓના સસ્પેન્શન તૂટી રહ્યા છે અને લોકો કમર તથા હાડકાની બીમારીનો ભોગ બની રહ્યા છે. અંતે યુવરાજસિંહે વડાપ્રધાનને પ્રશ્ન કર્યો છે કે દહેગામના રસ્તાઓ માટે આવેલી કરોડોની ગ્રાન્ટ ક્યાં ગઈ અને કયા અધિકારી કે કોન્ટ્રાક્ટરે આ ભ્રષ્ટાચાર આચર્યો તે અંગે તમારા નેતાઓને પ્રશ્ન પૂછજો.
આ પણ વાંચો…સાબરમતી આશ્રમમાં જર્મન ચાન્સેલરે વિઝિટર બુકમાં શું લખ્યું ?



