યુવાધન વિદેશમાં CEO બને, તે ફુલાવાનો નહિ ચિંતાનો વિષય: પ્રફુલ્લ પાનશેરિયા
ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી (State Education Minister) પ્રફૂલ્લ પાનશેરિયાની (Prafulla Panchsheria) ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-2020’ યોજાઈ હતી.
આ દરમિયાન રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ વિદેશ ભણવા જતાં વિદ્યાર્થીઓને લઈને ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે યુવાધન બહાર ભણવા જાય તે વિષય ફુલાવવાનો નહીં પણ ચિંતાનો હોવાનું જણાવ્યું હતું.
ફુલાવવાનો નહીં પણ ચિંતાનો વિષય
ગાંધીનગર ખાતે આજેઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન NEP-2020’ યોજાઈ હતી. આ સમિટ દરમિયાન રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.
આપણ વાંચો: ચોક્કસ રંગના સ્વેટર પહેરવાં દબાણ કરનારી શાળાઓને શિક્ષણ મંત્રીની ચેતવણી…
તેમણે કહ્યું હતું કે, ‘યુવાધન બહાર ભણવા જાય અને ત્યાં મોટી કંપનીઓમાં CEO બને તો આપણે ફુલાઈએ છીએ. આ ફુલાવવાનો નહીં પણ ચિંતાનો વિષય છે. આપણે અહીં એવું વાતાવરણ ન આપી શકીએ?’
વિદેશ જવાનો વાયરો કુંકાયો
તેમણે આગળ કહ્યું હતું કે “આજે કોઈ શાળા કે કોલેજના વર્ગખંડમાં જઈને પૂછીએ કે… કોને વિદેશ જવાની ઈચ્છા છે ? તો લગભગ 50 ટકા વિધાર્થીઓને વિદેશ જઈ કારકિર્દી બનાવવાનું સ્વપ્ન છે. આજે વિદેશ જવાનો જાણે વાયરો કુંકાયો છે. હોશિયાર વિધાર્થીઓને જ વિદેશ જવું છે તેવું નથી… હોશિયાર વિધાર્થી નથી તેને પણ વિદેશ જવું છે.
આર્થિક રીતે ખર્ચને પહોંચી વળે તેમ નથી તેમને પણ ગમે તેમ કરી ભારતની બહાર જતું રહેવું છે. શહેરની સાથે ગામડાના યુવાનોએ પણ વિદેશની વાટ પકડી છે.
ભારતની મૂડી એવા યુવાધનની મોટે પાયે હિજરત શરૂ થઈ ગઈ છે, ત્યારે પ્રશ્ન થાય છે કે શા માટે ભારતનું યુવાધન વિદેશ તરફ દોડી રહ્યું છે ? સરકારે, સમાજે, માતા-પિતાએ અને શાળા-કોલેજે પણ આ બાબતે વિચારવાની જરૂર છે. જોકે દેશ બહાર જતા યુવાધન અંગે શિક્ષણમંત્રીનું નિવેદન સામે આવ્યું છે.
70ના દાયકાથી વિદેશ જવાની માનસિકતા વધી
શિક્ષણમંત્રી પાનસેરિયાએ જણાવ્યું હતું કે, વર્ષોથી લોકો અભ્યાસ, નોકરી અને ધંધા-વ્યવસાય માટે વિદેશ જાય છે. પરંતુ, લગભગ 70ના દાયકાથી વિદેશ જવાની માનસિકતા વધી છે.
વિદેશ જતા રહેવાની વાતને બ્રેઇન ડ્રેઈન કહેવામાં આવે છે કારણ કે, હોશિયાર લોકો દેશ છોડીને જતા રહે છે, તેને કારણે દેશને નુકસાન છે. સાથે-સાથે સામાજિક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે.
આપણ વાંચો: શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટમાં…
માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરિણીત યુવાધન પણ હવે વિદેશ જવા માંગે છે. એકના એક દીકરા પણ મા-બાપને છોડી વિદેશ જાય છે. જેનાથી હવે ભારતમાં સિનિયર સિટિઝન એકલા થતા જાય છે. જેમ ગામડાઓમાં માત્ર ઘરડા મા-બાપ છે. તેમ હવે શહેરમાં પણ ડોલરની રાહ જોતા ઘરડા મા-બાપ અસુરક્ષાની ભાવના સાથે જીવતા હશે.આ પ્રશ્ન વિકરાળ થતો જશે.