ગાંધીનગર

દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭.૫ ટકાઃ દર વર્ષે ૯.૨૬ ટકાના દરે વધારો

ગાંધીનગરઃ વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે ૧લી જૂનને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતનું દૂધ ઉત્પાદન દર વર્ષે ૫.૭ ટકાના દરે તેજ ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ જીડીપીમાં લગભગ ૪.૫ ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગ ક્ષેત્રનો છે.

ગુજરાત વાર્ષિક ૧૮ મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ૭.૫ ટકા જેટલો ફાળો આપી રહ્યું છે. રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી છેલ્લા બે દાયકામાં ગુજરાત દૂધ ઉત્પાદનમાં ૧૧.૮ મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે.

આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. આટલું જ નહિ, ગુજરાતમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ છેલ્લા એક દાયકામાં ૩૮ ટકા વધીને આજે ૭૦૦ ગ્રામ પ્રતિ દિન થઇ છે.

આપણ વાંચો: ગુજરાતના લાખો પશુપાલકોને ‘ડબલ’ ફાયદો: અમૂલે દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો, દાણના ભાવ ઘટ્યા

ગુજરાતના મહામૂલા પશુધન માટે હાલ રાજ્યમાં ૯૨૯ પશુ દવાખાના, ૫૫૨ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, ૫૮૭ ફરતા પશુ દવાખાના, ૩૪ વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને ૨૧ પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ ઉપરાંત પશુઓને સારવાર-રસીકરણ સહિતની સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં અત્યારે કુલ ૪,૨૭૬ પશુ ચિકિત્સકો (વેટરિનેરિયન) નોંધાયેલા છે.

ગુજરાતમાં સારી નસલના પશુઓની સંખ્યા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને નજીવા દરે પશુઓમાં સેક્સ્ડ સીમેન ડોઝ આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે, જેનો સફળતા દર ૯૦ ટકાથી વધુ છે. એટલે કે, સેકસ્ડ સીમેન ડોઝ બાદ ૯૦ ટકા પશુઓ વાછરડીને જન્મ આપે છે. આ ઉપરાંત પશુઓમાં થતાઆઈવીએફના ખર્ચને પહોંચી વળવા સરકાર દ્વારા પશુપાલકોને સબસિડી આપવામાં આવી રહી છે.

આપણ વાંચો: બનાસ ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો, જાણો કોને થશે ફાયદો?

રાજ્ય સરકારના બહુલક્ષી પ્રયાસોના પરિણામે જ આજે ગુજરાતમાં ડેરી ઉદ્યોગ ખૂબ જ વિકસિત બન્યો છે અને રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વનો ફાળો આપી રહ્યો છે. ગામડાંઓમાં પશુપાલન એ લાખો પરિવારો માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે.

આવા દૂધ ઉત્પાદક પરિવારોને અમૂલ જેવી સહકારી સંસ્થાઓએ એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, જેથી રાજ્યના પશુપાલકો પણ આજે આત્મનિર્ભર બન્યા છે. આગામી સમયમાં ગુજરાતને દેશનું અગ્રેસર દૂધ ઉત્પાદક રાજ્ય બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button