ગુજરાતી માટે ગર્વની વાત: સિંહ, દીપડો અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય બન્યું ગુજરાત…

ગાંધીનગર: ગુજરાતની ઓળખ હવે એશિયાટિક લાયન પૂરતી સીમિત રહી નથી. રાજ્યમાં છેલ્લા 11 મહિનાથી વાઘનો વસવાટ પણ જોવા મળ્યો છે. જેની સાથે ગુજરાત દેશનું અને વિશ્વનું એકમાત્ર ત્રણ બિગ કેટ ધરાવતું રાજ્ય બની ગયું છે. આ વાત રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ(NTCA)ની સત્તાવાર જાહેરાત બાદ સપાટી પર આવી છે.
રતનમહાલ અભ્યારણ્યમાં વાઘણ લવાશે
રતનમહાલ અભ્યારણ્યમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. જેની જાણ વન વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ(NTCA)ને જાણ કરવામાં આવી હતી. જેથી NTCAની ટીમે રતનમહાલ અભ્યારણની મુલાકાત લઈને વાઘની હાજરીની પુષ્ટી કરી હતી. આ સાથે NTCA દ્વારા વાઘ ધરાવતા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. NTCAની ટીમે એ પણ નોંધ્યું છે કે, ગુજરાતની ઈકો સિસ્ટમ વાઘના વસવાટ માટે યોગ્ય છે. આ સાથે વાઘના વસવાટ માટે ઈકો સિસ્ટમને વધુ મજબૂત કરવા માટે કેટલાક સૂચનો પણ કર્યા છે.
જોકે, વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાના જણાવ્યાનુસાર, NTCA તરફથી વન વિભાગને કોઈ સત્તાવર પત્ર આપવામાં આવ્યો નથી. પરંતુ અભ્યાસ બાદ તૈયાર કરેલા પ્રાથમિક રિપોર્ટમાં દેશમાં વાઘની વસ્તી ગણતરીમાં ગુજરાતનો સમાવેશ કર્યાની વાત સામે આવી છે.
રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ(NTCA) દ્વારા કરાયેલી પુષ્ટી બાદ ગુજરાતમાં સિંહ, દીપડો અને વાઘ એમ ત્રણેય બિગ કેટનો વસવાટ છે, એવું કહી શકાય છે. વન વિભાગ દ્વારા હવે ‘ટાઈગર્સ આઉટસાઈડ ટાઈગર રિઝર્વ’ પ્રોજેક્ટ હેઠળ રતનમહાલમાં વાઘની વસ્તી વધારવા માટે વાઘણ લાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગુજરાત વન વિભાગની આ માંગને લઈને NTCA કામ કરી રહી છે.
‘ટાઈગર સ્ટેટ’ બન્યું ગુજરાત
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લે 1989માં વાઘની સત્તાવાર ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજ્યમાં વાઘ હોવાના પુરાવા મળ્યા ન હતા. આમ, 1990માં ગુજરાત ટાઈગર સ્ટેટ તરીકેનો દરજ્જો ગુમાવી ચૂક્યું હતું. પરંતુ હવે 35 વર્ષ બાદ ગુજરાતને ‘ટાઈગર સ્ટેટ’ તરીકેનો દરજ્જો પાછો મળ્યો છે.



