નવી 9 મહાનગરપાલિકાઓને ક્યારે મળશે મેયર? આ મહિનામાં ચૂંટણી યોજાય તેવી સંભાવના

ગાંધીનગર: 1 જાન્યુઆરી 2025 પહેલા ગુજરાત રાજ્યમાં માત્ર 8 મહાનગરપાલિકાઓ હતી. પરંતુ 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી. હજુ સુધી આ મહાનગરપાલિકાઓ મેયર વિહોણી છે. ત્યારે આ નવી 9 મહાનગરપાલિકાઓની ચૂંટણી ક્યારે યોજાશે? તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
જાન્યુઆરી 2026માં યોજાશે ચૂંટણી?
ગુજરાત સરકાર દ્વારા નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે. જોકે, જૂની 8 મહાનગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરી 2026માં યોજાવાની છે. પરંતુ, આ નવી 9 મહાનગરપાલિકાઓ તથા જૂની 8 મહાનગરપાલિકાઓની ચૂંટણી જાન્યુઆરી 2026માં યોજાશે, તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યાનુસાર, ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નવી મહાનગરપાલિકાઓનું સીમાંકન કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. સાથોસાથ તેની અનામત બેઠકોની નોટિફિકેશન પર જાહેર કરવામાં આવી છે. જોકે, જૂની મહાનગરપાલિકાઓનું કોઈ નવું સીમાંકન કરવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે, દિવાળી બાદ ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં રાજ્ય વ્યાપી સ્પેશિયલ ઈન્ટેનસિવ રીવિઝન(SIR)ની પ્રક્રિયા શરૂ થવાની છે. પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી હાલની મતદાર યાદી પ્રમાણે જ યોજાશે.
આ પણ વાંચો…ભાવનગરમાં ચૂંટણી પહેલા ભડાકોઃ ભાજપના મેયરે ગ્રુપમાં બળાપો ઠાલવ્યો ને આત્મહત્યાની આપી દીધી ધમકી…