ગુજરાતમાં હિંસક ગુનાખોરી ઘટી: તેમ છતાં મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓના નોંધાયા 7000થી વધારે કેસ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ગુજરાતમાં હિંસક ગુનાખોરી ઘટી: તેમ છતાં મહિલાઓ વિરૂદ્ધના ગુનાઓના નોંધાયા 7000થી વધારે કેસ

ગાંધીનગર: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2023માં ગુજરાતમાં હિંસક ગુનાઓની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે. જોકે, રાજ્યનો હિંસક ગુના દર રાષ્ટ્રીય દર કરતાં ઘણો ઓછો છે. વર્ષ 2022માં 9015 કેસ હિંસક ગુનાઓના કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2023માં આ કેસોમાં 39 કેસનો ઘટાડો નોંધાયો છે. આમ, 2023માં કુલ 8975 હિંસક ગુનાઓના કેસ નોંધાયા છે. ત્યારે આવો જાણીએ 2023માં કયા પ્રકારના હિંસક ગુનાઓના કેસ વધારે પ્રમાણમાં નોંધાયા છે.

મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા સૌથી વધારે

વર્ષ 2023માં નોંધાયેલા હિંસક ગુનાઓમાં હત્યાના 968 કેસ, હત્યાના પ્રયાસના 890 કેસ, ગંભીર ઈજાના 3461 કેસ, અપહરણના 1792 કેસ, બળાત્કારના 634 કેસ, લૂંટના 541 કેસ, રમખાણોના 131 કેસ તથા મહિલાઓ વિરુદ્ધના ગુનાઓના 7805 ગુનાઓ નોંધાયા છે. જોકે, આ તમામ ગુનાઓમાં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓની સંખ્યા સૌથી વધારે છે. પરંતુ 2022ની સરખામણીમાં આ આંકડો ઘટ્યો છે.

968 હત્યાના કેસોમાંથી મોટાભાગના વિવાદો, વ્યક્તિગત દુશ્મનાવટ અથવા ઝઘડાને કારણે થયા હતા. આ સિવાય, ‘જાતિવાદ’ અને ‘દહેજ’ ને કારણે એક-એક હત્યા, જ્યારે ‘મેલીવિદ્યા’ અને ‘સીરીયલ કિલર/મનોરોગી’ ને કારણે બે-બે હત્યાઓ નોંધાઈ હતી.

ગુનાખોરી ઘટાડવામાં ગુજરાત પોલીસનું યોગદાન

રાજ્યમાં પ્રતિ લાખ વસ્તી દીઠ હિંસક ગુનાઓનો દર માત્ર 12.5 ઘટનાઓ રહ્યો છે, જે સમગ્ર ભારતના સરેરાશ દર (31.2 ઘટનાઓ) કરતાં અડધાથી પણ ઓછો છે. 28 રાજ્યોમાં ગુજરાતનો દર માત્ર નાગાલેન્ડ અને આંધ્રપ્રદેશ કરતાં વધારે છે, જે રાજ્યમાં પ્રમાણમાં ઓછી ગુનાખોરી દર્શાવે છે.

ગુજરાત પોલીસનો હિંસક ગુનાઓના કેસોમાં ચાર્જશીટ ફાઇલિંગ રેટ 83.8 ટકા રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશ (74.1 ટકા) કરતાં ઘણો ઊંચો છે. આ આંકડો સૂચવે છે કે રાજ્ય પોલીસે નોંધાયેલા મોટાભાગના હિંસક ગુનાઓમાં સફળતાપૂર્વક તપાસ પૂરી કરી છે. જોકે, આ બાબતે ગુજરાત કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશથી પાછળ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, NCRBનો રિપોર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં હિંસક ગુનાઓનું પ્રમાણ ઓછું છે. વર્ષ 2023ના હિંસક ગુનાઓનો આંકડો અને પોલીસનો તપાસ દર ઘણો સારો છે. એવું પણ પૂરવાર કરે છે.

આપણ વાંચો:  રાજકોટ અલ-કાયદા પ્રચાર કેસ: ત્રણેય આતંકીઓને સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button