“ઠાકોર સમાજનું અપમાન” ગુજરાત વિધાનસભામાં કલાકારોને આમંત્રણ પર વિક્રમ ઠાકોરે ઉઠાવ્યા સવાલ

ગાંધીનગર: થોડા દિવસ પૂર્વે ગુજરાતનાં ખ્યાતનામ કલાકારોને ગુજરાત વિધાનસભાની કાર્યવાહીને નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. જો કે આ કાર્યક્રમમાં ઠાકોર સમાજનાં એકપણ કલાકારને નહિ બોલાવવામાં આવતા અભિનેતા વિક્રમ ઠાકોરનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજને અન્યાય થયો છે.
ગુજરાતી કલાકારોએ ગૃહની કામગીરી નિહાળી
પ્રાપ્ત વિગતો અનુસાર વિધાનસભાની ગૃહમાં ગુજરાતી કલાકારોએ ગૃહની કામગીરી નિહાળી હતી. જેમાં ગીતાબેન રબારી, ભીખુદાન ગઢવી, કિર્તીદાન ગઢવી, માયાભાઇ આહિર, મનુભાઇ રબારી, જીજ્ઞેશ બારોટ સહિતનાં કલાકારોએ ગૃહની મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલી સંસદીય પ્રણાલીને પ્રત્યક્ષ નિહાળવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે નિમંત્રણ પાઠવ્યું હતું જેને માન આપીને વિધાનસભાની કામગિરી નિહાળવા આવ્યા હતા.
આપણ વાંચો: ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રધાન અને આપના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી
મને બહુ દુખ થયું
જો કે હવે આ મામલે ઠાકોર સમાજને અન્યાય થયો હોવાની ચર્ચા શરૂ થઈ છે. અભિનેતા વિક્રમ ઠાકોર અને આગેવાન નવઘણજી ઠાકોર વચ્ચે સોશિયલ મીડિયામાં વાતચીત થઈ હતી અને આ દમરિયાણ તેમણે આ મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. નવઘણજી ઠાકોરે આ મુદ્દે કહ્યું હતું કે આજે મને બહુ દુખ થયું, ઠાકોર સમાજની આવડી સંખ્યા હોવા છતાં તેમના કલાકારોને અવગણવામાં આવ્યા તે ઠાકોર સમાજનું અપમાન છે. તેમણે ઠાકોર સમાજનાં કલાકારોને પ્રાથમિકતા આપવાની માંગ કરી હતી.
ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય
વિક્રમ ઠાકોરે આ અંગે કહ્યું હતું કે મારે કોઇ પક્ષ સાથે કાઇ સંબંધ નથી અને જે કલાકારોને વિધાનસભામાં સન્માનિત કરવામાં આવ્યા તેઓ બધા જ સન્માનને યોગ્ય હતા, પરંતુ ઠાકોર સમાજના કલાકારો પણ સન્માનને યોગ્ય છે અને તેમની અવગણના થવી જોઈએ નહીં.
આગળ તેમણે કહ્યું હતું કે કલાકારોના જૂથ બની ગયા છે અને તેના કારણે ઠાકોર કલાકારોની અવગણના થઈ રહી છે. તેમણે નવઘણજી ઠાકોરની વાત પર કરતાં કહ્યું હતું કે ઠાકોર સમાજનાં કાર્યક્રમમાં અન્ય કલાકારોને પણ બોલાવવા જ જોઇએ. આગળ તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજ મોટો હોય દરેક પક્ષને સમર્થન કરે છે, આથી ઠાકોર સમાજનાં કલાકારોને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું જોઈએ.