ગુજરાત સરકારની નવી પહેલ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’, મહેસાણાથી શરૂઆત થશે

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ની સફળતાને રાજ્યના છેવાડા સુધી લઈ જવા માટે ગુજરાત સરકારે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ’ નામની નવી પહેલ શરૂ કરી છે.
જેનો હેતુ રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણની સજ્જતાને વૈશ્વિક મંચ પર લાવવી તેમજ ગ્લોબલ ઇમેજને “વોકલ ફોર લોકલ” દ્વારા વધુ મજબૂત કરવી છે. આ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ની પ્રથમ શૃંખલાનો મુખ્ય પ્રધાન મહેસાણાથી તા. ૯મી ઓકટોબર, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે.
આપણ વાંચો: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ઉજ્જવળ ભવિષ્યનું પ્રવેશદ્વાર
ઉદ્યોગ કમિશનર પી.સ્વરૂપે રીજનલ કોન્ફરન્સિસ વિશે વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજ્યના દરેક પ્રદેશની ઔદ્યોગિક-આર્થિક ક્ષમતા અને રોકાણો માટેની સજ્જતાનું એક અનેરૂ પ્લેટફોર્મ ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’ બનશે એટલું જ નહીં ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ મેપ પર વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતની ઊભી થયેલી આગવી ઈમેજને “વોકલ ફોર લોકલ” થકી વધુ ઉજાગર કરવા આ કાર્યક્રમ પરિણામકારી બનશે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં યોજાયેલી ગત વાઇબ્રન્ટ સમિટની સફળતાને પરિણામે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક જિલ્લા, તાલુકા તેમજ ગુજરાતના છેવાડાના માનવીને વાઇબ્રન્ટ ગુજરાત સાથે જોડી શકાય એ માટે ‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સિસ’નું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ઉત્તર ગુજરાત ઝોનની મહેસાણા ખાતે તા. ૯-૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ, દક્ષિણ ગુજરાત ઝોનની સુરતમાં તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ અને મધ્ય ગુજરાત ઝોનની વડોદરામાં તા. ૧૦-૧૧ જૂન, ૨૦૨૬ના રોજ આ રીજનલ કૉન્ફરન્સ યોજાશે.
પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે
ઉદ્યોગ કમિશનરે જણાવ્યું કે, પ્રાદેશિક સંમેલનો બે દિવસ યોજાશે, જેમાં જિલ્લા-સ્તરીય જરૂરિયાતો સંદર્ભે રોકાણ સુવિધા, વૈચારિક આદાનપ્રદાન અને નેટવર્કિંગ માટે એક અસરકારક માધ્યમ તરીકે સેવા આપશે. આ સંમેલનો ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સાહસિકો, સરકારી સંસ્થાઓ, વિદેશી વેપારગૃહો, વેપાર અને ઉદ્યોગ સંગઠનો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓ સહિત, વિવિધ હિસ્સેદારોને એક જ પ્લેટફોર્મ પર લાવવા માટેનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
આપણ વાંચો: દિલ્હીમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની મેગા ઇવેન્ટ: ‘વાઇબ્રન્ટ ગુજરાત’ માટે ઉદ્યોગપતિઓ સાથે બેઠક
વિવિધ કાર્યક્રમો યોજાશે
આ ઉપરાંત દરેક પ્રાદેશિક સંમેલનમાં ઉદ્ઘાટન અને સમાપન સત્ર, ક્ષેત્ર-વિશિષ્ટ અથવા જિલ્લા-વિશિષ્ટ સેમિનાર, વ્યાપાર પ્રદર્શની, પ્રાદેશિક પુરસ્કારો,એમઓયુ પર હસ્તાક્ષર, બીટુબી અને બીટુજી બેઠકો, ખરીદ-વેચાણ બેઠકોનું પ્લેટફોર્મ, વિક્રેતા માર્ગદર્શન કાર્યક્રમ, અગ્રણી પ્રવાસન સ્થળો તેમજ સ્થાનિક ઔદ્યોગિક ક્લસ્ટરોની પર્યટન મુલાકાતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
મહેસાણામાં તા. ૦૯ થી ૧૩ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન એક્ઝિબિશન હોલ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધી પ્રદર્શની યોજાશે. જે તા. ૧૧થી ૧૩ ઓક્ટોબર ૨૦૨૫ સુધી જાહેર ભાગીદારી માટે ખુલ્લું રહેશે. ૧૮,૦૦૦ ચો.મી.ના કુલ વિસ્તારમાં યોજાનાર આ પ્રદર્શનમાં એમએસએમઈ, કુટીર અને ગ્રામીણ ક્ષેત્રો માટે ૧,૦૦૦ ચો.મી.નું પેવેલિયન બનાવાશે.
મુખ્ય વિશેષતાઓમાં રિવર્સ બાયર-સેલર મીટ, પાર્ટનર કન્ટ્રી પેવેલિયન,બીટુજી અને બીટુબી ઝોન, સ્ટાર્ટઅપ સ્ટોલ અને ઉદ્યમી મેળાનો સમાવેશ થાય છે. અન્ય સુવિધાઓમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, રીજનલ ફૂડ ફેસ્ટ, ફૂડ કોર્ટ, ઓડીઓપી અને જીઆઈ ટેગ ડિસ્પ્લે, સાંસ્કૃતિક પ્રદર્શન, પ્રોડક્ટ લોન્ચ, ફૂડ પ્રદર્શન અને દૈનિક લકી ડ્રો, હેલ્પડેસ્ક, કંટ્રોલ રૂમ અને પોપ-અપ સ્ટેજનો સમાવેશ થાય છે.
૧૩ હજારથી વધુ રજીસ્ટ્રેશન
અત્રે ઉલ્લેખનીય છે કે, સુધીમાં કુલ ૧૩ હજારથી વધુ રજીસ્ટ્રેશન થયા છે, જેમાં ૨૧૬ આંતરરાષ્ટ્રીય સહિત કુલ ૧૧,૭૩૨ વ્યક્તિગત અને ૩૫ આંતરરાષ્ટ્રીય સહિત ૧૫૧૪ કંપની સહભાગી થનાર છે. આ ઉપરાંત જાપાન, દક્ષિણ કોરિયા, વિયેતનામ અને નેધરલેન્ડ્સ (કૃષિ સેમિનાર) જેવા દેશો સહભાગી બનવા પુષ્ટિ આપી છે. તેમજ જેટ્રો, ઇન્ડો કેનેડા બિઝનેસ ચેમ્બર, યુએસઆઈ એસપીએફ, વિશ્વ બેંક, રશિયન ફેડરેશનનું વેપાર પ્રતિનિધિત્વ જેવી સંસ્થાઓ પણ સહભાગી બનશે.
અન્ય ત્રણ રીજનલ કોન્ફરન્સના ફોકસ ક્ષેત્રો
કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની કોન્ફરન્સ તા. ૮-૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે યોજાશે. જેમાં સિરામિક્સ, એન્જિનિયરિંગ, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, મત્સ્યઉદ્યોગ, પેટ્રોકેમિકલ્સ, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા, ખનિજો, ઓફશોર પવન જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાત ઝોનની કોન્ફરન્સ તા. ૯-૧૦ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સુરત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને સંમેલન કેન્દ્ર, એસજીસીસીઆઈ, સુરત ખાતે યોજાશે. જેમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, જેમ્સ અને જ્વેલરી, કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
મધ્ય ગુજરાત ઝોનની કોન્ફરન્સ તા.૧૦-૧૧ જૂન ૨૦૨૬ દરમિયાન પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર ગૃહ, વડોદરા ખાતે યોજાશે. જેમાં સેમિકન્ડક્ટર અને ઈએસડીએમ, આઈટી&આઈટીઈએસ, બાયોટેક / બાયોફાર્મા, એરોસ્પેસ અને સંરક્ષણ, ફિનટેક, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટેક્ષ્ટાઇલ અને એપેરલ, ઓટો અને ઓટો કોમ્પોનેન્ટ્સ, શિક્ષણ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.