
ગાંધીનગરઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ફરી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગાહી બે દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત રાત્રિએ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. વરસાદ થતા લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી છે. કારણ કે, છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલી ગરમીથી લોકો ત્રાહિમ પોકારી રહ્યાં હતાં. જેથી રાત્રે પડેલા વરસાદથી હવામાનમાં ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી
વરસાદની વાત કરવામાં આવે તો ગત રાત્રિએ ગાંધીનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ અને નવસારી સહિત અનેક જિલ્લામાં વરસાદ થયો છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે. નોંધનીય છે કે, મિની વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે અનેક વૃક્ષ ધરાશાયી થયા હતાં. આજે વહેલી સવારે પણ કેટલાક જિલ્લામાં વરસાદ થયો છે. અમદાવાદની વાત કરવામાં આવે તો, વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેથી આજે પણ અમદવાદામાં વરસાદ થવાની સંભાવના છે.
દરિયા કિનારે આવેલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આગાહી પ્રમાણે આજે અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી, નવસાર અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. નોંધનીય છે કે, દરિયા કિનારે આવેલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી હોવાથી 40થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે, જેના કારણે માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા આદેશ
આગાહી પ્રમાણે દરિયાકાંઠે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુકાશે, જેથી 30 મેથી 1 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે જે તે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. દરિયો ના ખેડવાની સૂચના હોવા છતાં પણ ગઈ કાલે દ્વારકામાં એક બોટ માછીમારી કરતી જોવા મળી હતી. વરસાદની આગાહી દરમિયાન દરિયા ના ખેડવા માટે સૂચના આપવામાં આવી હોવા છતાં પણ કેટલાક માછીમારો કલેક્ટરના આદેશની અવહેલના કરતાં હોય છે.
આ પણ વાંચો….દ્વારકાના દરિયામાં તોફાન છતાં માછીમારી: કલેક્ટરના આદેશની અવહેલના…