સીએમ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી! સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

સીએમ ઓફિસ અને સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી! સેક્ટર 7 પોલીસ સ્ટેશન નોંધાઈ ફરિયાદ

ગાંધીનગર: દિલ્હી, કર્ણાટક અને ગુજરાતમાં અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. હવે ગુજરાતમાં મુખ્ય પ્રધાન કાર્યાલય, કલેક્ટર અને મહત્ત્વની કચેરીઓ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, થોડા મહિના અગાઉ પણ આ જ પ્રકારના એક ઇ-મેઇલથી ધમકી મળી હતી. આ મામલે એવી આશંકા છે કે, ઇરાદો પાર ન પડતાં કોઈકે ઇ-મેઇલ કર્યા હોઈ શકે છે. તેથી પોલીસે તમામ પ્રકારે તપાસ શરૂ કરી દીધી છે.

મેઈલમાં તામિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તીઓનો પણ ઉલ્લેખ

ગુજરાત સરકારના અધિકારીઓ તથા સીએમઓને મળેલા એક ઇ-મેઇલમાં ગુજરાતનું મુખ્ય પ્રધાન કાર્યાલય, મહત્ત્વની અન્ય સરકારી કચેરીઓ તથા કલેક્ટર ઓફિસોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી મળી છે. કાર્યવાહીની વાત કરવામાં આવે તો, બોમ્બની ધમકી આપનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ સેક્ટર 7 પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે, આ મેઈલમાં તામિલનાડુના પત્રકારો અને રાજકીય હસ્તીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

હજી સુધી કોઈ શંકાસ્પદ બાબત પ્રકાશમાં આવી નથી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં વિસ્ફોટ થયા બાદ 97 મિનિટ પછી ગુજરાતમાં મુખ્ય પ્રધાનના કાર્યાલય અને અન્ય કચેરીઓ પણ ધડાકાથી ઉડાવી દેવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી આ તમામ કચેરીઓ ખાલી કરાવી દેવી જોઇએ. તેવું લખવામાં આવ્યું હતું. જેથી આ મામલે પોલીસે યુદ્ધના ધોરણ તપાસ શરૂ કરી દીધી છે. જો કે, હજી સુધી કોઈ શંકાસ્પદ બાબત પ્રકાશમાં આવી નથી. પરંતુ ધમકીભર્યા મેઈલને ગંભીતાથી લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ મળી હતી આવી ધમકીઓ

પ્રાથમિક જાણકારી પ્રમાણે આ જ મેઈલ આઈડીથી પહેલા પણ આવી ધમકી આવી હતી. તે વખતે પણ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી હતી. પરંતુ ખાસ જાણકારી મળી નહોતી. જ્યારે અત્યારે મુખ્ય પ્રધાનનું કાર્યાલય, મહત્ત્વની અન્ય સરકારી કચેરીઓ તથા કલેક્ટર ઓફિસોને વિસ્ફોટકોથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.

આ પણ વાંચો…લોસ એન્જલસમાં રહસ્યમય વિસ્ફોટ: બોમ્બ સ્કવોડના 3 જવાનના મોત, FBIએ શરૂ કરી તપાસ…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button