ગાંધીનગર

કેન્સરગ્રસ્તોની ‘જીવાદોરી’ સાબિત થયું આ સરકારી ‘ભંડોળ’: 4 વર્ષમાં થઈ 2000થી વધુ દર્દીની સારવાર

ગાંધીનગર: કુદરતી આફત, અકસ્માત અને ગંભીર બીમારીઓના સમયે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેવાના ડુંગર હેઠળ દબાય જાય છે. આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ તથા મા કાર્ડ જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ સિવાય પણ એક એવું સરકારી ભંડોળ છે. જે નબળા વર્ગના દર્દીઓ માટે જીવનરક્ષક સાબિત થયું છે.

‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’નો લાભ કોને મળે?

કોઈપણ જરૂરિયાતમંદ દર્દી નાણાંના અભાવે સારવારથી વંચિત ન રહે. તે હેતુ થી ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદ કરી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’નો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને જીવનરક્ષક સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. આ ભંડોળનો લાભ ખાસ કરીને એવા દર્દીઓને આપવામાં આવે છે, જેમના માટે મોંઘી સારવાર લગભગ અશક્ય હોય છે. ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ની આર્થિક સહાય હેઠળ કેન્સર, હૃદયરોગ, કિડની અને લીવર ફેલ્યોર તેમજ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવી છે.

વાર્ષિક રૂ. 4 લાખ થી ઓછી આવક ધરાવનાર વ્યક્તિ ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’ હેઠળ આર્થિક સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. જ્યારે 6 લાખથી ઓછી આવક ધરાવતા વરિષ્ઠ નાગરિકો પણ આ ભંડોળ હેઠળ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે. અરજદારે અરજી સાથે રહેઠાણનું પ્રમાણપત્ર, સારવારનો વિગતવાર અંદાજ અને સંબંધિત મેડિકલ ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા જરૂરી છે. અરજદારની અરજી મળ્યા પછી મહેસૂલ વિભાગ તેની ચકાસણી કરે છે. ત્યારબાદ ફાઇલ મુખ્યમંત્રી રાહત ભંડોળ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવે છે. સમિતિની મંજૂરી પછી મંજૂર થયેલ રકમ સીધી હોસ્પિટલ અથવા દર્દીના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી દર્દીને સમયસર સારવાર મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે.

2000થી વધુ કેન્સરગ્રસ્તોને મળ્યું નવજીવન

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021 થી 2025 દરમિયાન’મુખ્યમંત્રી રાહત ભંડોળ’ હેઠળ કેન્સર સામે ઝઝૂમી રહેલા 2,106 દર્દીઓને મહત્વપૂર્ણ આર્થિક સહાય પ્રદાન કરવામાં આવી છે, જેનાથી આ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સમયગાળા દરમિયાન કેન્સરના 2,106 દર્દીઓની સારવાર માટે મુખ્યમંત્રી રહેલ ભંડોળમાંથી રૂ. 31.55 કરોડથી વધુની રકમની ચૂકવણી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ બ્લડ કેન્સરના 450 દર્દીઓને આર્થિક સહાય આપવામાં આવી છે, જ્યારે અન્ય પ્રકારના કેન્સરથી પીડિત 1656 દર્દીઓને CMRF થકી આર્થિક સહાય મળી છે. આ ઉપરાંત ‘મુખ્યમંત્રી રાહત ભંડોળ’માંથી લીવર, કિડની, હૃદય અને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ જેવી મોંઘી- જટિલ સારવાર માટે પણ આર્થિક મદદ આપવામાં આવી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button