ગુજરાતમાં સાયબર ક્રાઈમનું પ્રમાણ ચિંતાજનક: NCRB રિપોર્ટમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો

ગાંધીનગર: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા તાજેતરમાં પોતાનો વર્ષ 2023નો રિપોર્ટ રજુ કર્યો છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, દેશભરમાં સાયબર કેસોમાં સરેરાશ 31 ટકાનો વધારો થયો છે. આ રિપોર્ટમાં ગુજરાતમાં સાયબર ક્રાઇમનું વધેલુ પ્રમાણ ચિંતાજનક છે. વર્ષ 2022ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં સાયબર ક્રાઈમમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. ગુજરાતમાં સાયબર ક્રાઈમના કયા પ્રકારના ગુનામાં વધારો થયો? આવો જાણીએ.
એક વર્ષમાં નોંધાયા 1995 કેસ
ગુજરાતમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે, જે દેશની સરેરાશ કરતાં વધુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના તાજેતરના અહેવાલ મુજબ, વર્ષ 2023માં સાયબર ગુનાઓમાં 40.78 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. NCRBના ડેટા અનુસાર, 2022માં 1417 કેસની સરખામણીમાં 2023માં ગુજરાતમાં કુલ 1995 સાયબર ગુનાઓ નોંધાયા છે.
રાજ્યમાં IPCની કલમ 420 હેઠળ છેતરપિંડીના સૌથી વધુ 1034 કેસ, IT એક્ટની કલમ 66C હેઠળ ઓળખ ચોરીના 254 કેસ, IPCની કલમ 354D હેઠળ સાયબર સ્ટોકિંગના 43 કેસ, IT એક્ટ કલમ 67B હેઠળ બાળ જાતીય કૃત્યોની સામગ્રીના 10 કેસ તથા અશ્લીલ સામગ્રી પ્રકાશિત કરવાના 258 કેસ નોંધાયા છે.
વર્ષ 2023માં અન્ય નોંધાયેલા ગુનાઓમાં સાયબર બ્લેકમેઇલિંગના 37, ઓનલાઈન બેંકિંગ ફ્રોડના 49, એટીએમ-સંબંધિત ફ્રોડના 10, અને ડેટા ચોરીના 8 કેસનો સમાવેશ થાય છે.
છેતરપિંડી માટે સૌથી વધુ થયા સાયબર ક્રાઈમ
ડેટા દર્શાવે છે કે, મોટાભાગના કેસોમાં (1187 કેસ) સાયબર ગુનેગારોનો મુખ્ય હેતુ પીડિતોને છેતરપિંડી કરીને નાણાં પડાવવાનો હતો. આ સિવાય બાકીના કેસમાં માનહાનિ (387), ખંડણી (183) અને જાતીય શોષણ (84) જેવા મુખ્ય હેતુઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, સાયબર ગુનાઓમાં આ ઝડપી વધારો રાજ્યમાં ડિજિટલ સાક્ષરતા અને સુરક્ષા વધારવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.
આપણ વાંચો: અમદાવાદમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એક્શનમાં, ભેળસેળ યુક્ત માવા પનીરનો મોટો જથ્થો જપ્ત