ભુપેન્દ્ર પટેલ આકરા પાણીએઃ બિસ્માર રસ્તાની યાદીનો આદેશ, કોન્ટ્રાક્ટર-અધિકારીઓ થશે બ્લેકલિસ્ટ | મુંબઈ સમાચાર
ગાંધીનગર

ભુપેન્દ્ર પટેલ આકરા પાણીએઃ બિસ્માર રસ્તાની યાદીનો આદેશ, કોન્ટ્રાક્ટર-અધિકારીઓ થશે બ્લેકલિસ્ટ

ગાંધીનગરઃ ગુજરાતમાં રોડ અને રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે તેવી અનેક ફરિયાદો થતી રહે છે. રોડ રસ્તા ખરાબ હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ મામલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટરો સામે લાલ આંખ કરી છે. છેલ્લા એક વર્ષમાં નિષ્ફળ ગયેલા ખરાબ રસ્તાના કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે લીધો છે. આ માટે સર્વે કરવાના આદેશ પણ આપી દેવામાં આવ્યાં છે. મંગળવારે મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રોગ અને રસ્તાનો સર્વે કરવા ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, છેલ્લા એક વર્ષમાં જે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને બિસ્માર હાલતમાં થઈ ગયાં છે, તેની યાદી તૈયાર કરવા માટે ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યો છે. એટલું જ ન નહીં પરંતુ આમાંથી કેટલા રસ્તાઓ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અને કેટલા માર્ગો ખાનગી કોન્ટ્રાક્ટરો દ્વાર બનાવવામાં આવ્યાં છે તેની યાદી તૈયાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જે પણ રોડ ખરાબ જોવા મળશે તેની યાદી તૈયાર કરીને ફરી તેનું સમારકામનું કામ આપવામાં આવશે અને તે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે.

જવાબદાર વિભાગીય અધિકારીઓ સામે પણ કાર્યવાહી થશે

મહત્વની વાત એ છે કે, આદેશ પ્રમાણે જે કોન્ટ્રાક્ટરોએ હલકી ગુણવત્તા વાળા રોડ બનાવ્યા છે તેમની સાથે સાથે આ કામ માટે જવાબદાર વિભાગીય અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વારંવાર ખરાબ રોડ અને રસ્તાની લોકો ફરિયાદો કરી રહ્યાં હતા, જેના કારણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટા ભાગે જ્યા કોઈ પ્રધાન કે નેતા આવવાનો હોય ત્યાં રાતોરાત રસ્તાઓ સારા બનાવી દેવામાં આવે છે, પરંતુ પછી તે રસ્તાની હાલત ફરી જેવી હતી જેવી જ થઈ જતી હોય છે. જેથી આ બધી બાબતોને ધ્યાને રાખીને સીએમ ભૂપેન્દ્ર પટેલે તપાસના આદેશ આપ્યાં છે.

આપણ વાંચો:  ગુજરાતમાં હજી ચોમાસું યથાવત, આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button