ગુજરાતમાં 21 ફેબ્રુઆરીથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’નો થશે પ્રારંભ: જાણો સરકારની યોજના

ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યવ્યાપી ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ વહેલું શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે આગામી ૨૧ ફેબ્રુઆરીથી રાજ્યભરમાં જળ સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે. સામાન્ય રીતે આ અભિયાન પછીથી શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસા પૂર્વે વધુમાં વધુ કામો પૂર્ણ થાય તેવા આયોજન સાથે ફેબ્રુઆરી મહિનાથી જ તેની શરૂઆત કરવામાં આવશે.
આગામી ૩ માર્ચના રોજ હોળીનો તહેવાર હોવાથી શ્રમિકો પોતાના વતન જતા હોય છે. શ્રમિકોની ગેરહાજરીને કારણે જળ સંચયના કામોમાં વિલંબ ન થાય અને સમયસર લક્ષ્યાંક પૂરો કરી શકાય તે હેતુથી સરકારે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી જ કામગીરી શરૂ કરવાનું નક્કી કર્યું છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના જુદા જુદા વિભાગોના સંકલન દ્વારા તળાવો ઊંડા કરવા સહિતની જળ સંગ્રહની પ્રવૃત્તિઓ હાથ ધરાશે.
સરકારી આંકડાઓ મુજબ, વર્ષ ૨૦૧૮થી ૨૦૨૫ સુધીના છેલ્લા ૮ વર્ષમાં આ અભિયાન દ્વારા રાજ્યમાં અંદાજે ૧૩,૯૯૪ મિલ્યન ઘનફૂટ પાણીના સંગ્રહની ક્ષમતામાં વધારો થયો છે. આ ઉપરાંત, આ જળ સંચયના કામો દ્વારા અત્યાર સુધીમાં શ્રમિકો માટે ૨૬૦ લાખથી વધુ માનવદિનની રોજગારીનું સર્જન પણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ (SSJA)એ રાજ્યમાં પાણીની અછત દૂર કરવા અને જળ સંગ્રહની ક્ષમતા વધારવા માટેનું એક અત્યંત મહત્વાકાંક્ષી જળ સંચય અભિયાન છે. આ યોજનાનો પ્રાથમિક હેતુ વરસાદી પાણીના ટીપે-ટીપાંનો સંગ્રહ કરવો અને ભૂગર્ભ જળસ્તર (Groundwater levels) ઊંચા લાવવાનો છે. તે ખાસ કરીને ઉનાળા દરમિયાન ચોમાસા પૂર્વે હાથ ધરવામાં આવે છે જેથી વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકે.
અભિયાન અંતર્ગત રાજ્યભરમાં ગામના હયાત તળાવોમાંથી માટી કાઢી તેને ઊંડા કરવા, ચેકડેમ અને જળાશયોમાં જામી ગયેલો કાંપ (Desilting) દૂર કરવો, નહેરો અને કાંસ (Drains)ની સાફ-સફાઈ અને મરામત કરવી જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં તેમજ સૂકી નદીઓને સાફ કરીને તેમાં પાણીના વહાવ માટે માર્ગ મોકળો કરવા જએવી કામગીરી હાથ ધરવામાં આવે છે.



