ગાંધીનગર

ગુજરાતમાં વાવાઝોડાનો ખતરોઃ કોસ્ટ ગાર્ડે માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી

ગાંધીનગર: ગુજરાતના હવામાનમાં પરિવર્તન આવ્યું છે. અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

હવામાન વિભાગ (IMD) એ તાજેતરમાં જણાવ્યું છે કે આ લો પ્રેશર આગામી 36 કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે હવાની ગતિમાં નોંધપાત્ર વધારો થશે. આ માટે આ સ્થિતિને પગલે ગુજરાતના કેટલાક વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આપણ વાંચો: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો! IMDની આગાહી પ્રમાણે 8 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના…

માછીમારોને તાત્કાલિક અસરથી એલર્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં સંભવિત વાવાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને, ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને તાત્કાલિક અસરથી એલર્ટ કરવામાં આવ્યા છે. ઓખા, રૂપેણ અને સલાયા બંદરો પર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર વર્તાવાની ભીતિ હોય કોસ્ટગાર્ડે તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપી છે. તે ઉપરાંત હાલ દરિયામાં માછીમારી કરવા ગયેલા તમામ બોટને આવતીકાલ સાંજ સુધીમાં પરત ફરવા પણ જણાવવામાં આવ્યું છે.

આપણ વાંચો: IMD ની આગાહી પ્રમાણે ગુજરાતના 5 જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદનું એલર્ટ…

24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચના
ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમના કારણે સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જેવા દક્ષિણ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પવન ફૂંકાવા અને વરસાદની આગાહી સાથે IMD દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને લેતા, રાજ્યના આ જિલ્લાઓમાં જિલ્લા વહીવટી તંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button