ગુજરાતમાં બાળકોના ‘વિકાસ’ની સ્થિતિ છે ગંભીર, કેગના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો…

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો અહેવાલ રજૂ કરાયો હતો. જેમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આંગણવાડી કેન્દ્રોની ઘટ, લાખો બાળકો નોંધણીથી વંચિત, સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા અસંખ્યા લાભાર્થીને લાભ ન મળ્યો હોવાનું સામે આવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે, 0-6 વર્ષના બાળકોની નોંધણીમાં મોટો ઘટાડો થયો હતો. 2015-16માં 77.77 લાખ બાળકો નોંધાયા હતા, તેની સામે 2022-23માં આ પ્રમાણ 48 ટકા ઘટીને 40.34 લાખ થયું હતું. આ આંકડો યોજનાના અમલીકરણરમાં રહેલી ગંભીર ખામી દર્શાવે છે.
આ ઉપરાંત કેગના રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં 16000 આંગણવાડી સેન્ટરની પણ અછત હોવાનું સામે આવ્યું હતું. સહાય પોષણ કાર્યક્રમ હેઠળ નોંધાયેલા 4.63 કરોડ લાભાર્થીઓમાંથી 14 ટકા લોકોને લાભ મળ્યો નથી. રિપોર્ટમાં સગર્ભા સ્ત્રીઓની ઓછી નોંધણી અને સગર્ભાવસ્થા દરમિયાન તથા બાળકના જન્મ બાદ યોગ્ય સેવાઓ ન મળી શકવા અંગે પણ ચિંતા વ્યકત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: Gujarat વહીવટી સુધારણા પંચની વેબસાઈટ લોન્ચ, પ્રથમ ભલામણ અહેવાલ સરકારને સોંપાયો
આંગણવાડી કેન્દ્રોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં પણ વિભાગ નિષ્ફળ રહ્યો હોવાનું કેગે રિપોર્ટમાં જણાવ્યું છે. રાજ્યમાં કાર્યરત 53029આંગણવાડી કેન્દ્રોમાંથી 3381 કેન્દ્રો અસ્થાયી જગ્યા પર ચાલી રહ્યા હતા, જ્યારે 8452 આંગણવાડી કેન્દ્રો જર્જરિત મકાનોમાં કાર્યરત હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2015 થી 2023 દરમિયાન આ કેન્દ્રો માટે સૂચવવામાં આવેલું બાંધકામ કરવામાં આવ્યું નહોતું. રાજ્યના 1299 આંગણવાડી કેન્દ્રોમાં શૌચાલયની સુવિધા નહોતી. જ્યારે 1032 આંગણવાડી કેન્દ્રો પર પીવાના પાણીની સુવિધાનો અભાવ હતો.
રાજ્યમાં દિવ્યાંગ બાળકો માટે આંગણવાડી કેન્દ્રોને સુલભ બનાવવા માટે 11 જિલ્લાની 807 આંગણવાડીમાં રેમ્પ બનાવવા 2 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા માત્ર 220 આંગણવાડીમાં જ રેમ્પનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત 99 આંગણવાડીમાં પીરસવાના વાસણો, રાશનના પેકેટ, બાળકો માટેના સાધનો અને દવાઓની કીટની અછત જોવા મળી હતી. કેટલીક આંગણવાડીમાં પાણી અને ઈલેક્ટ્રિક કનેકશન ન હોવાના કારણે 6907 વોટર પ્યુરીફાયર ધૂળ ખાઈ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં 2 વર્ષમાં કેટલી GST ચોરી પકડાઈ? સરકારે વિધાનસભામાં આપી માહિતી…
સાર્વત્રિક રસીકરણ યોજનામાં 94 ટકાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં આવ્યો હતો. પરંતુ ઓછા વજનવાળા બાળકોના કેન્દ્ર સરકારના 2 ટકાના લક્ષ્યાંક સામે વર્ષ 2022-23માં આંકડો 11.63 ટકા રહ્યો હતો. જે બાળપોષણની ગંભીર સ્થિતિ સૂચવે છે. આમ કેગના રિપોર્ટમાં રાજ્યમાં સંકલિત બાળ વિકાસ યોજનાના અમલીકરણમાં રહેલી ગંભીર ખામીઓ સામે આવી હતી.